લંડનઃ છેલ્લા એક વર્ષમાં હડતાળોમાં 4 મિલિયન વર્કિંગ ડેનું નુકસાન થયું છે. સરકારને ચેતવણી આપવામાં આવી રહી છે કે સરકારી નોકરીઓમાં ખાલી જગ્યાઓ ભરવા માટે તેણે પગારમાં હજુ વધારો કરવો પડશે. રિઝોલ્યૂશન ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર 1980ના દાયકા પછી છેલ્લા એક વર્ષમાં હડતાળોમાં સૌથી વધુ કામના દિવસોનું નુકસાન થયું છે. પગાર ઓછો પડવાના કારણે આટલી મોટી સંખ્યામાં હડતાળો પડી રહી છે. મોટી સંખ્યામાં નોકરીઓ ખાલી હોવાના કારણે પણ કર્મચારીઓ કામના બોજાના કારણે હતાશ થઇ રહ્યાં છે. 2021થી અત્યાર સુધીમાં કુલ કામના દિવસોના નુકસાનમાં 96 ટકા ફાળો હેલ્થ, એજ્યુકેશન, પોસ્ટલ સર્વિસ અને રેલવેમાં પડાયેલી હડતાળોનો રહ્યો છે.
થિન્ક ટેન્કે જણાવ્યું હતું કે, ફુગાવાના ઊંચા દરના કારણે પબ્લિક સેક્ટરના કર્મચારીઓને સૌથી વધુ અસર થઇ છે. બે વર્ષ પહેલાંની સરખામણીમાં સરેરાશ સાપ્તાહિક પગાર ખરા અર્થમાં 4.1 ટકા ઘટી ગયો છે. પ્રાઇવેટ સેક્ટરમાં સાપ્તાહિક પગારનું મૂલ્ય 2.9 ટકા જ્યારે પબ્લિક સેક્ટરના પગારનું મૂલ્ય 9.2 ટકા ઘટ્યું છે.
સપ્ટેમ્બરના અંતમાં યુનિવર્સિટીઓમાં ફરી એકવાર હડતાળનું આયોજન
સમગ્ર યુકેમાં 145 યુનિવર્સિટીના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા યુનિવર્સિટી એન્ડ કોલેજ યુનિયને ચેતવણી આપી છે કે નોકરીદાતાઓ મંત્રણાના ટેબલ પર નહીં આવે ત્યાં સુધી યુનિવર્સિટીઓમાં હડતાળો જારી રહેશે. સપ્ટેમ્બરના અંતમાં પણ કેટલીક હડતાળોનું આયોજન કરાયું હોવાથી યુનિવર્સિટીઓમાં શિક્ષણકાર્ય ખોરવાઇ જવાની સંભાવના છે. યુનિયનના સભ્યો 20મી એપ્રિલથી પરીક્ષાના મૂલ્યાંકન અને એસેસમેન્ટની કામગીરીનો બહિષ્કાર કરી રહ્યાં છે. યુનિયનની હાયર એજ્યુકેશન કમિટીએ ફરી એકવાર સપ્ટેમ્બરના અંતમાં હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.
ઓગસ્ટમાં ગેટવિક એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને પેસેન્જર આસિસ્ટન્સ સ્ટાફની હડતાળ
ગેટવિક એરપોર્ટ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓએ ઓગસ્ટમાં પગાર વધારાના મુદ્દે હડતાળ પર જવાની જાહેરાત કરી છે. ઓગસ્ટના સતત બે વીકએન્ડમાં પડાનારી આ હડતાળમાં 230 કરતાં વધુ કર્મચારી જોડાશે. રેડ હેન્ડલિંગ કંપની માટે કામ કરતા ગ્રાઉન્ડ હેન્ડલિંગ કર્મચારીઓ 18 ઓગસ્ટથી 4 દિવસ માટે હડતાળ પર જશે. ત્યારબા 25 ઓગસ્ટથી ફરી 4 દિવસની હડતાળ પડાશે. ગેટવિક એરપોર્ટ પર પેસેન્જર આસિસ્ટન્સનું કામ કરતી વિલ્સન જેમ્સ કંપનીના કર્મચારીઓ 18 ઓગસ્ટથી 3 દિવસ અને 22 ઓગસ્ટથી બીજા 3 દિવસ માટે હડતાળ પર જશે. બંને કંપનીના કામદાર યુનિયનોનો આરોપ છે કે કંપનીઓ કર્મચારીઓની માગો પૂરી કરવામાં નિષ્ફળ રહી છે.
જુનિયર ડોક્ટરો ફરી હડતાળ પર, એનએચએસને 1 બિલિયન પાઉન્ડનું નુકસાન
સરકાર સાથે પગાર વધારા મુદ્દે ચાલી રહેલી ખેંચતાણ મધ્યે શુક્રવાર સવારથી ફરી એકવાર જુનિયર ડોક્ટરોએ 4 દિવસની હડતાળનો પ્રારંભ કર્યો હતો. જુનિયર ડોક્ટરોની અત્યાર સુધીની 16 દિવસની હડતાળોના કારણે ગેરહાજર સ્ટાફના કારણે અન્ય સ્ટાફની વ્યવસ્થા, સારવારમાં અડચણ, રદ થયેલી એપોઇન્ટમેન્ટના પગલે એનએચએસને 1 બિલિયન પાઉન્ડનું નુકસાન થઇ ચૂક્યું છે. હેલ્થ સેક્રેટરી સ્ટીવ બાર્કલેએ જણાવ્યું હતું કે, હડતાળોના કારણે આવશ્યક સેવાઓ માટેનું ભંડોળ અન્યત્ર વેડફાઇ રહ્યું છે. લાખોની સંખ્યામાં ઓપરેશન અને કન્સલ્ટેશન રદ કરવા પડ્યાં છે.


