લંડનઃ મારા નાના લોર્ડ લુઇસ માઉન્ટબેટન, નાની એડિવના અને માતા પામેલા વર્ષ 1947માં ભારત છોડીને જતા રહ્યા હતા પરંતુ ત્યાંની યાદો તેમનાં દિલોદિમાગ પર સૌથી ઉપર રહી છે. મારી માતા ભારતને પ્રેમ કરતી હતી. જેથી જ જ્યારે હું જન્મની ત્યારે જ મારું નામ ઇન્ડિયા રાખી દેવામાં આવ્યું હતું. આજે હું 56 વર્ષની છું અને મારી માતા 94 વર્ષના થયાં છે ત્યારે તમામ બાબતો હજુ યાદ છે. ભારતમાં ગાળેલા પોતાના દિવસોને યાદ કરે છે. 1947માં ભારતની સ્વતંત્રતાના સમયે તેઓ 18 વર્ષની હતાં. માત્ર 18 મહિના જ ભારતમાં ગાળ્યા હતા. માતાની પાસે નહેરુજીની એક તસવીર છે. જેમાં માથાના ટેકાથી ઊભા થઇને તેઓ યોગાસન કરી રહ્યાં છે. આનો કિસ્સો દર્શાવીને તેઓ કહે છે કે, ત્યારે પંડિતજી (પામેલા નહેરુજીને એ જ નામથી બોલાવતા હતા) પોતાની કેબિનેટમાં ફેરફાર માટે મગજને શાંત રાખી શકે તે માટે તેઓએ આ ખાસ યોગા કર્યો હતો. આવી જ રીતે તેઓએ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલની સાથે મુલાકાતોની પણ તસવીર સાચવીને રાખી છે.


