જી-20નું નેતૃત્વ યોગ્ય સમયે યોગ્ય હાથમાં - તુગેન્ધાત

ભારત ખાદ્યસુરક્ષા સહિતના વૈશ્વિક પડકારો સામે લડવામાં અસરકારક નેતૃત્વ પુરું પાડી રહ્યો છેઃ બ્રિટન

Tuesday 15th August 2023 12:01 EDT
 
 

લંડનઃ ભારતની મુલાકાતે પહોંચેલા બ્રિટિશ સિક્યુરિટી મિનિસ્ટર ટોમ તુગેન્ધાતે જણાવ્યું હતું કે, જી-20ના અધ્યક્ષપદે ભારતની નિયુક્ત અત્યંત મહત્વની છે કારણ કે ભારત ખાદ્યસુરક્ષા સહિતના વૈશ્વિક પડકારો સામે લડવામાં અસરકારક નેતૃત્વ પુરું પાડી રહ્યો છે. હું એટલું કહેવા માગું છું કે જી-20ને યોગ્ય સમયે યોગ્ય અધ્યક્ષ મળ્યો છે. જી-20ના અધ્યક્ષ તરીકે ભારત ખાદ્યાન્ન, ઇંધણ અને ખાતર સહિતની વૈશ્વિક ચિંતાઓ દૂર કરવાનો ભારત દ્વારા પ્રયાસ થઇ રહ્યો છે. ભારત સાર્વત્રિક વૈશ્વિક વિકાસ, વિકાસ લક્ષ્યાંકોના ઝડપી અમલ, ગ્રીન ડેવલપમેન્ટ સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.

એક અખબારી મુલાકાતમાં તુગેન્ધાતે ભારત અને બ્રિટન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર જણાવ્યું હતું કે, નવી દિલ્હી લંડનનો આવશ્યક સહયોગી છે તે અંગે બ્રિટનમાં કોઇને શંકા નથી. બાજરા અને જાડા અનાજના ઉત્પાદન અને ઉપયોગ માટે ભારત દ્વારા લેવાઇ રહેલા પગલાંની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે, આ પ્રયાસથી ખાદ્ય સુરક્ષાની સમસ્યાનો ઉકેલ લાવી શકાશે.

તેમણે જણાવ્યું હતું કે, વિશ્વ મહાકાય પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે ભારત જી-20ને નેતૃત્વ પુરું પાડી રહ્યો છે. ભાગીદાર દેશ તરીકે અમારે જે કરવાનું છે તેના પર અમે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. આપણે આપણા જ લોકોને નેતૃત્વ પુરું પાડી રહ્યાં છીએ એટલું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના અન્યોને પણ સહાય કરી રહ્યાં છીએ. જી-20ના અધ્યક્ષ તરીકે ભારત પણ એજ દિશામાં કામ કરી રહ્યો છે. ભારત દ્વારા જે પગલાં લેવાઇ રહ્યાં છે તેના માટે હું ભારત સરકારનો આભારી છું.

ભારત અને બ્રિટન તેમની જનતા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યાં છેઃ તુગેન્ધાત

ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરાર પર તુગેન્ધાતે જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે બંને દેશ આ કરારને અમલી બનાવવામાં સક્ષમ છે. મને ઘણી આશા છે અને હું એટલું કહી શકું કે બંને દેશના અધિકારી તેના પર કામ કરી રહ્યાં છે. આપણે એક એવો કરાર કરવા જઇ રહ્યાં છીએ જે ભારત અને બ્રિટની જનતા માટે લાભકારક રહેશે. યુકે તેની જનતા માટે શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તેવી જ રીતે ભારત સરકાર પણ તેની જનતા માટે શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરી રહી છે.

બ્રિટનને ભાગેડુ ગુનેગારોનું ‘સ્વર્ગ’ બનાવવાનો કોઈ ઈરાદો નથીઃ તુગેન્ધાત

બ્રિટનને ન્યાયથી બચવા માટેનો પ્રયત્ન કરનારા લોકોનું ‘સ્વર્ગ’ બનાવવાનો તેમનો કોઈ ઈરાદો નથી તેમ બ્રિટનના સંરક્ષણ મંત્રી ટોમ તુગેન્ધાતે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, પ્રત્યાર્પણના સંજોગોમાં કાયદાકીય પ્રક્રિયાઓને વળગી રહેવું થવું જોઈએ.તેમણે ભારતીય હાઈ કમિશનની સુરક્ષા માટે પર્યાપ્ત વ્યવસ્થા કરાઈ હોવાનું પણ જણાવ્યું હતું. તુગેન્ધાતે જણાવ્યું હતું કે બ્રિટન અને ભારતની કેટલીક કાયદાકીય પ્રક્રિયાઓ છે, જેનું પાલન થવું જોઈએ, પરંતુ બ્રિટન સરકાર એક બાબતમાં એકદમ સ્પષ્ટ છે કે અમારા દેશને એવી જગ્યા બનાવવાનો કોઈ ઈરાદો નથી, જ્યાં ન્યાયથી બચવાનો પ્રયત્ન કરનારા લોકો ગમે ત્યાંથી આવીને છુપાઈ શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter