જીસીએસઇના પરિણામ જાહેરઃ 22 ટકાએ ટોપ ગ્રેડ હાંસલ કર્યાં

4 અથવા સી ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 68.2 ટકા, 24.9 ટકા કન્યા અને 19.1 ટકા કુમારોને 7 અથવા એ ગ્રેડથી વધુ

Tuesday 29th August 2023 11:47 EDT
 
 

લંડનઃ ગયા સપ્તાહમાં એ-લેવલના પરિણામ બાદ 25 ઓગસ્ટ 2023ના ગુરુવારના રોજ જીસીએસઇના પરિણામ જાહેર કરાયાં હતાં. યુકેમાં જીસીએસઇની પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થી પૈકીના 22.0 ટકા વિદ્યાર્થી ટોચના ગ્રેડ (ઓછામાં ઓછા 7 અથવા તો એ ગ્રેડ) હાંસલ કરવામાં સફળ રહ્યાં હતાં. સરકારે ગ્રેડિંગ સિસ્ટમને કોરોના મહામારીના પહેલાના સ્તરે લઇ જવાનો નિર્ણય કર્યા બાદ ગયા વર્ષની સરખામણીમાં ટોપ ગ્રેડ હાંસલ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 4.3 ટકાનો ઘટાડો થયો હતો. 2022ની જીસીએસઇની પરીક્ષામાં 26.3 ટકા વિદ્યાર્થીએ ટોપ ગ્રેડ મેળવ્યા હતા. કોરોના મહામારી પહેલાં 2019માં ટોપ ગ્રેડ વિદ્યાર્થીઓની સંખ્યા 20.8 ટકા હતી. આમ આ વર્ષે ટોપ ગ્રેડ મેળવનારની સંખ્યા હજુ વધુ રહી છે.

જોઇન્ટ કાઉન્સિલ ફોર ક્વોલિફિકેશન દ્વારા જારી કરાયેલા ઇંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડના પરિણામના આંકડા દર્શાવે છે કે ગયા વર્ષની સરખામણીમાં ટોપ ગ્રેડ મેળવનારની સંખ્યા 2,03,000 ઘટી હતી પરંતુ 2019ની સરખામણીમાં ટોપ ગ્રેડ મેળવનારની સંખ્યા 1,42,000 વધુ રહી છે. જીસીએસઇમાં 4 અથવા સી ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા આ વર્ષે ઘટીને 68.2 ટકા રહી જે 2022માં 73.2 ટકા હતી. જો કે સી ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2019માં 67.3 ટકા હતી. ફક્ત બે ટકા વિદ્યાર્થીએ 1 અથવા જી ગ્રેડ પ્રાપ્ત કર્યાં છે.

જીસીએસઇના પરિણામ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને વડાપ્રધાન રિશી સુનાકે અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, જીસીએસઇની પરીક્ષા પાસ કરનારા દરેક વિદ્યાર્થીને હું અભિનંદન પાઠવું છં અને આ પરિણામ મેળવવા માટે શિક્ષકો અને વાલીઓની મહેનત માટે આભારી છું. હવે તમે એ લેવલ, ટી લેવલ કે એપ્રેન્ટિસશિપ માટે આગળ વધવાના છો ત્યારે તમારા માટે ઘણા વિકલ્પ ઉપલબ્ધ છે.

જીસીએસઇ પરિણામ પર એક નજર

-          22.0 ટકા વિદ્યાર્થીને 7 અથવા એ ગ્રેડથી વધુ

-          68.2 ટકા વિદ્યાર્થીને 4 અથવા સી ગ્રેડથી વધુ

-          98.0 ટકા વિદ્યાર્થીને 1 અથવા જી ગ્રેડથી વધુ

-          24.9 ટકા વિદ્યાર્થિનીને 7 અથવા એ ગ્રેડથી વધુ

-          19.1 ટકા વિદ્યાર્થીને 7 અથવા એ ગ્રેડથી વધુ

-          71.7 ટકા વિદ્યાર્થિનીને 4 અથવા સી ગ્રેડથી વધુ

-          64.9 ટકા વિદ્યાર્થીને 4 અથવા સી ગ્રેડથી વધુ

પ્રાઇવેટ અને ગ્રામર સ્કૂલોના ટોપ ગ્રેડમાં મોટો ઘટાડો

કોરોના મહામારી દરમિયાન જીસીએસઇની પરીક્ષામાં ઘણા ઊંચા ગ્રેડ મેળવ્યા પછી ખાનગી અને વ્યાકરણ શાળાઓના જીસીએસઇન ટોપ ગ્રેડમાં મોટો ઘટાડો નોંધાયો છે. ગ્રામર સ્કૂલોમાં ટોપ ગ્રેડનું પ્રમાણ ગયા વર્ષના 66.5 ટકાથી ઘટીને 59.3 ટકા જ્યારે પ્રાઇવેટ સ્કૂલોમાં ટોપ ગ્રેડનું પ્રમાણ 2022ના 53.1 ટકાથી ઘટીને 46.6 ટકા પર આવી ગયું છે.

ગયા વર્ષ કરતાં વધુ 60,000 વિદ્યાર્થીએ પુનઃપરીક્ષા આપવી પડશે

જીસીએસઇની પરીક્ષાના પરિણામ બાદ ગયા વર્ષ કરતાં વધુ 60,000 વિદ્યાર્થીએ ઇંગ્લિશ અને મેથ્સની પુનઃપરીક્ષા આપવી પડશે. એજ્યુકેશન સેક્રેટરી ગિલિયન કિગને મહત્વના વિષયોમાં પુનઃ પરીક્ષા લેવાની પ્રણાલિનો બચાવ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter