લંડનઃ વીજળી અને ઇંધણોની ઘટેલી કિંમતોના કારણે જુલાઇ મહિનામાં ફુગાવામાં ઘટાડો નોંધાયો હતો તેમ છતાં ખાદ્યપદાર્થો, રેસ્ટોરન્ટ અને હોટેલની ઊંચી કિંમતો પરિવારોને દઝાડી રહી છે. જુલાઇ મહિનામાં ફુગાવાનો દર 6.8 ટકા નોંધાયો જે જૂનના 7.9 ટકા કરતાં 1.1 ટકા ઓછો રહ્યો છે. વીજળી અને ઇંધણોની કિંમતમાં ઘટાડો થવાના કારણે ફુગાવાનો દર ઘટ્યો છે તેમ છતાં અન્ય ચીજવસ્તુઓની ઊંચી કિંમતોના કારણે બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરમાં ફરી વધારાની સંભાવના પણ જોવાઇ રહી છે.
રેસ્ટોરન્ટ અને હોટેલમાં જમવાની કિંમતોમાં વધારો નોંધાયો છે. આલ્કોહોલ અને તમાકુની કિંમતો પણ વધી છે. વિમાની પ્રવાસ પણ મોંઘો બન્યો છે. ફ્લાઇટની ટિકિટની કિંમતમાં જુલાઇ 2022ની સરખામણીમાં 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર ઓક્ટોબર 2022માં ફુગાવાનો દર 11.1 ટકાને આંબી ગયો હતો તેની સરખામણીમાં જુલાઇમાં ફુગાવાનો દર ઘણો નીચો આવી ગયો છે. ફુગાવાનો દર ઘટી તો રહ્યો છે પરંતુ તેનો અર્થ એ નથી કે કિંમતોમાં ઘટાડો થઇ રહ્યો છે. હા, કિંમતો વધવાની ઝડપમાં જરૂર ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક સમયથી ફુગાવાના દર પ્રમાણે પગારમાં વધારો થઇ રહ્યો નથી પરંતુ એપ્રિલથી જૂનની વચ્ચે 7.8 ટકાના દરે પગારમાં વધારો થયો છે જેના કારણે ફરી એકવાર ફુગાવાના દરમાં વધારો થવાની ચિંતા સેવાઇ રહી છે.
વીજળી અને ઇંધણોની કિંમતમાં ઘટાડાની સાથે દૂધ, માખણ, બ્રેડ, ઇંડા, સિરિયલ અને માછલીની કિંમતોમાં થોડી રાહત જરૂર મળી છે પરંતુ ગયા વર્ષની સરખામણીમાં હજુ તેમની કિંમતો 15 ટકા વધુ છે.


