જોખમી કોંક્રિટથી બનેલી 100 કરતાં વધુ શાળા બંધ કરવાનો આદેશ

7 લાખ વિદ્યાર્થી અભ્યાસ કરે છે તેવી 400 શાળાની ઇમારતો જોખમી હોવાનો અંદાજ, 104 શાળાના હજારો વિદ્યાર્થીઓને ઓનલાઇન અથવા હંગામી શેડમાં શિક્ષણ લેવાની નોબત આવી

Tuesday 05th September 2023 11:37 EDT
 
 

લંડનઃ જોખમી કોંક્રિટમાંથી બનેલી શાળાની ઇમારતોની સરકારી યાદી લાંબી થઇ રહી છે. સરકાર દ્વારા 100 કરતાં વધુ શાળા બંધ કરવાનો આદેશ અપાતાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલાં મોટી સંખ્યામાં વાલીઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયાં છે. રિઇન્ફોર્સડ ઓટોક્લેવ્ડ એરેટેડ કોંક્રિટનો ઉપયોગ કરીને બનાવાયેલી 104 શાળા બંધ કરવાના ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશનના આદેશ બાદ પરિવારોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. આ શાળાઓના હજારો વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ લેવાની નોબત આવી છે. ઇમારતોના નિર્માણમાં આ પ્રકારના મટિરિયલનો ઉપયોગ 20મી સદીના મધ્યભાગમાં થતો હતો. આ મટિરિયલથી બનેલી ઇમારતોનું આયુષ્ય 30 વર્ષનું હોય છે.

એક રિપોર્ટ પ્રમાણે દેશમાં આ પ્રકારના મટિરિયલમાંથી બનેલી 400 કરતાં વધુ શાળા છે અને તેમાં 7 લાખ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યાં છે. આ તમામ ઇમારતોનું પુનઃનિર્માણ કરવું પડે તેવી સ્થિતિ છે. તે ઉપરાંત હોસ્પિટલો અને અદાલતો જેવી જાહેર ઇમારતો પર પણ જોખમ તોળાઇ રહ્યું છે.

યુનિયનોએ ચેતવણી આપી છે કે સેંકડો વધુ શાળાઓ રિઇનફોર્સ્ડ ઓટોક્લેવ્ડ એરેટેડ કોંક્રીટ (RAAC) સાથે બાંધવામાં આવી છે તેથી આવી શાળાઓના વર્ગખંડો અને ઇમારતો બંધ કરવા પડશે. ઈંગ્લેન્ડમાં અસુરક્ષિત ઈમારતોને કારણે હજારો વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં અને પોર્ટેબલ કેબિનોમાં ઓનલાઈન શિક્ષણ લેવાની ફરજ પડી શકે છે.

વાલીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે કોરોના મહામારીના કારણે બાળકોના શિક્ષણને મોટું નુકસાન થઇ ચૂક્યું છે ત્યારે આ સ્થિતિ તેમના માટે "નવું લોકડાઉન" છે.

એક શાળામાં બીમ તૂટી પડતાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો

સ્કૂલ મિનિસ્ટર નિક ગિબે ખુલાસો કર્યો હતો કે, માત્ર એક શાળામાં તૂટી ગયેલા બીમને કારણે 100 થી વધુ શાળાઓમાં વિદ્યાર્થીઓને જોખમમાં નહીં મૂકવાનો નિર્ણય  લેવાયો છે. સંખ્યાબંધ શાળાઓમાં ઉપયોગમાં લેવાતા કોંક્રિટનો પ્રકાર "અસુરક્ષિત" હોવાનું જણાયું હતું.

શાળાઓની સ્થિતિ માટે મને જવાબદાર ઠેરવી શકાય નહીઃ સુનાક

લંડનઃ આરએએસી કોંક્રિટના સંદર્ભમાં શાળાઓના પુનઃનિર્માણ માટે પુરતા નાણા નહીં ફાળવવાના આરોપ પર વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, આ માટે મને જવાબદાર ગણાવવો તદ્દન ખોટી બાબત છે. સુનાકે જણાવ્યું હતું કે, મારા પહેલા સ્પેન્ડિંગ રિવ્યૂમાં મેં 500 શાળાઓ માટે 10 વર્ષીય સ્કૂલ રિબિલ્ડિંગ પ્રોગ્રામની જાહેરાત કરી હતી. અગાઉના દાયકામાં પણ આ પ્રકારે જ કામ કરવામાં આવ્યું હતું. તેથી મને જવાબદાર ગણાવી શકાય નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter