લંડનઃ ઘાતક હથિયારો રાખનારાઓ સામે આકરા પગલાં લેવાની સરકારની જાહેરાત બાદ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે ઝોમ્બા સ્ટાઇલના ચાકુ રાખવાનું કોઇ કારણ જણાતું નથી. આ પ્રકારના ઘાતકી ચાકુ જપ્ત કરી તેનો નાશ કરવાની પોલીસને સત્તા અપાઇ છે જેના કારણે જાહેર સુરક્ષામાં મોટો સુધારો થશે. આ પ્રકારનો કાયદો લાવવાનું શા માટે જરૂરી હતું તેનો પુરાવો નોટિંગહિલ કાર્નિંવલની હિંસા છે.
સુનાકે જણાવ્યું હતું કે, ચાકુ દ્વારા થતી હિંસા વિચલિત કરનારી છે. તે યુવાઓને ગંભીર રીતે અસર કરે છે અને ઝોમ્બી ચાકુઓને નાબૂદ કરવા માટે આપણે તમામ પ્રયાસ કરવા પડશે. સરકારે લીધેલા પગલાથી પોલીસની કાર્યવાહી પણ સરળ બનશે. ચાકુ જપ્ત કરવા માટે અમે પોલીસને વધુ સત્તા આપી રહ્યાં છીએ,. સડકો પર ચાકુને કોઇ સ્થાન નથી.
સરકારે ઝોમ્બી ચાકુ અને કોઇપણ વ્યવહારૂ ઉપયોગમાં ન આવતા માચેટ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. ઝોમ્બી ચાકુ અને માચેટને જપ્ત કરીને નાશ કરવા પોલીસને વધુ સત્તા આપવામાં આવી રહી છે. હોમ ઓફિસે જણાવ્યું હતું કે, ઝોમ્બી ચાકુના ઉત્પાદન, આયાત અને પઝેશન તથા વેચાણ માટે બે વર્ષની મહત્તમ કેદની સજાની જોગવાઇ કરવામાં આવી છે.
સુનાકે જણાવ્યું હતું કે, ઝોમ્બી ચાકુ રાખવાનું કોઇ વ્યાજબી કારણ મને જણાતું નથી તેથી અમે તેના પર પ્રતિબંધ મૂકી રહ્યાં છીએ. ઝોમ્બી ચાકુ રાખવું ગેરકાયદેસર છે. આ પ્રકારના શસ્ત્રો સાથે ઝડપાનાર લોકોને સજા કરવા અમે કાયદાને આકરો બનાવી રહ્યાં છીએ.


