લંડનઃ યુકેમાં ભારતના ઔદ્યોગિક જૂથ ટાટા દ્વારા યુકેમાં સ્થપાનારા બેટરી પ્લાન્ટમાં ચીનની એઇએસસી કંપનીની મહત્વની ભુમિકા સામે આવી છે. ટાટા અને યુકે સરકાર દ્વારા આ બાબત ગુપ્ત રાખવાનો ભરપૂર પ્રયાસ કરાયો હતો. ચીનની એનર્જી જાયન્ટ એન્વિઝનની માલિકીની આ કંપની આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી છે તે બાબત સ્વીકાર કરવાનો ટાટાએ આ પ્લાન્ટની જાહેરાત સમયે ઇનકાર કરી દીધો હતો. યુકેની સરકારે પણ આ પ્રોજેક્ટમાં ચીનની કંપનીની ભુમિકા રહેશે તેની ચકાસણી કરી નથી. શું આ પ્રોજેક્ટમાં ચીનની કંપની સામેલ છે તેવા સવાલના જવાબમાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, એ ટાટાનો મામલો છે, મારો નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે ટાટાના આ પ્રોજેક્ટ માટે યુકે સરકાર દ્વારા 500 મિલિયન પાઉન્ડની સહાય અપાવાની છે તેથી ટાટાને મળનારા લાભ ચીની કંપનીને પણ મળશે જે બાબત યુકેમાં રાજકીય સંવેદનશીલ પૂરવાર થઇ શકે છે.
સમરસેટમાં સ્થપાનારા પ્લાન્ટ અંગેની જાહેરાત કરતી વખતે ટાટાને ચીની કંપનીની ભુમિકા પર સવાલ કરાયો હતો પરંતુ ટાટાએ જણાવ્યું હતું કે, અમે આ પ્લાન્ટ અંગે ચાલી રહેલી મંત્રણાઓ અંગે કોઇ સ્પષ્ટતા કરવા માગતા નથી. પરંતુ આ પ્લાન્ટ સાથે સંકળાયેલા પાંચ વ્યક્તિએ જણાવ્યું છે કે ચીની કંપની આ પ્લાન્ટ સાથે સંકળાયેલી છે. ચીની કંપની ટાટાના આ પ્લાન્ટમાં ફર્સ્ટ જનરેશન બેટરીના ઉત્પાદન માટે ટેકનોલોજી પૂરી પાડશે.


