ટેમવર્થ અને મિડ બેડફોર્ડશાયર પેટાચૂંટણીમાં કન્ઝર્વેટિવનો કારમો પરાજય

આગામી સંસદની ચૂંટણીમાં લેબર પાર્ટીના પ્રચંડ વિજયનો સંકેત આપતા પરિણામ, સુનાક અને ટોરીઝને મોટો ફટકો, પેટાચૂંટણીમાં ગઢસમાન બેઠકો ગુમાવી

Tuesday 24th October 2023 12:18 EDT
 
 

લંડનઃ તાજેતરમાં યોજાયેલી ટેમવર્થ અને મિડ બેડફોર્ડશાયર બેઠકોની પેટા ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવારોનો કારમો પરાજય થતાં વડાપ્રધાન રિશી સુનાકને આકરો ફટકો પડ્યો છે. મિડ બેડફોર્ડશાયર બેઠક પર તો લેબર પાર્ટીએ સૌપ્રથમવાર વિજય હાંસલ કર્યો છે. 2019માં નેડિન ડોરિસ આ બેઠક પરથી 24,664 મતની સરસાઇથી વિજેતા બન્યાં હતાં અને કેન્ઝર્વેટિવ પાર્ટી 1931થી આ બેઠક પર વિજેતા બનતી આવી હતી. આ બેઠક પરથી લેબર પાર્ટીના એલિસ્ટર સ્ટ્રેથર્ન ભારે સરસાઇથી વિજેતા બન્યા હતા.

ટેમવર્થ બેઠક પર મળેલો વિજય લેબર પાર્ટી માટે પેટા ચૂંટણીમાં બીજો સૌથી મોટો વિજય છે. આ બેઠક પરથી સારા એડવર્ડ્સ 1316 મતની સરસાઇ સાથે વિજેતા બન્યાં છે. બે બેઠકો પર વિજય બાદ લેબર પાર્ટીના વડા સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ટોરી કિલ્લાઓ પર લેબર પાર્ટીનો ફતેહ દર્શાવે છે કે જનતા સંપુર્ણ બદલાવ ઇચ્છે છે અને તે સારી કામગીરી માટે બદલાયેલી લેબર પાર્ટી પર વિશ્વાસ મૂકી રહી છએ.

બંને બેઠક પર કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવારોનો પરાજય વડાપ્રધાન સુનાક માટે મોટી પછડાટ છે અને સંકેત આપી રહ્યો છે કે આગામી સંસદની ચૂંટણીમાં લેબર પાર્ટી ભારે બહુમતીથી વિજય પ્રાપ્ત કરશે.

રાજકીય સમીક્ષક પ્રોફેસર સર જ્હોન કર્ટિસ કહે છે કે 1997 પછીપેટાચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ આટલો ખરાબ દેખાવ ક્યારેય કર્યો નથી. કોઇ મોટો નાટકીય બદલાવ જ રિશી સુનાકની પાર્ટીને સંસદની ચૂંટણીમાં કારમા પરાજયથી બચાવી શકે તેમ છે. લેબર પાર્ટી 1997 પછીનો સૌથી મોટો વિજય પ્રાપ્ત કરે તે વી સંભાવના છે.

પરાજય બાદ આવકવેરા અને સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરવા સુનાકની વિચારણા

બે બેઠકોની પેટાચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ઐતિહાસિક પરાજય બાદ વડાપ્રધાન રિશી સુનાક 50 લાખ જેટલા ઉચ્ચ કમાણી ધરાવતા કરદાતાઓને આવકવેરામાં રાહત આપવા અને સ્ટેમ્પર ડ્યુટીમાં ઘટાડો કરવા વિચારણા કરી રહ્યાં છે જેથી ટોરી મતબેંકને યથાવત રાખી શકાય. આ અંતર્ગત 40 ટકાના આવકવેરાના દરના સ્લેબને વધારવામાં આવે તેવી સંભાવના છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા કરાવાયેલા સરવે અનુસાર જો કરવેરામાં કાપ મૂકવામાં આવે તો પાર્ટીને ચૂંટણી પહેલાં રાજકીય સમર્થન વધી શકે છે. 2024ના સ્પ્રિંગ બજેટમાં તેની જાહેરાત કરાય તેવી સંભાવના છે. હાલમાં 50271 પાઉન્ડથી વધુ આવક ધરાવતા 5.6 મિલિયન લોકો 40 ટકા આવકવેરો ચૂકવી રહ્યાં છે. 2021માં રિશી સુનાક ચાન્સેલર હતા ત્યારે તેમણે ઇન્કમટેક્સ થ્રેશહોલ્ડ 6 વર્ષ માટે ફિક્સ કરી દીધાં હતાં. જો વડાપ્રધાન આ થ્રેશહોલ્ડમાં વધારો કરશે તો આ તેમનો નોંધપાત્ર યુ ટર્ન ગણાશે.

પરિણામો હતાશાજનક પરંતુ પરાજય માટે સ્થાનિક પરિબળો જવાબદારઃ રિશી સુનાક

ટેમવર્થ અને મિડ બેડફોર્ડશાયરની પેટાચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના પરાજયને વડાપ્રધાન સુનાકે હતાશાજનક ગણાવ્યો હતો પરંતુ આ પરાજય માટે સ્થાનિક પરિબળોને જવાબદાર ગણાવ્યા હતા. ઇજિપ્તથી યુકે પરત ફરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ ખરેખર હતાશાજનક પરિણામ છે પરંતુ તેના માટે તેની પાછળ જવાબદાર પરિબળોને ધ્યાનમાં લેવાં જોઇએ. કોઇપણ સરકાર માટે પેટાચૂંટણીઓ હંમેશા મુશ્કેલ રહી છે અને હા, સ્થાનિક પરિબળો પણ જવાબદાર છે. હું બ્રિટિશ લોકોની પ્રાથમિકતાઓ પર કામ કરવાનું ચાલુ રાખીશ. તમે મારી પાંચ પ્રાથમિકતાઓ જાણો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter