ડર્બીશાયરમાં કબડ્ડી મેચમાં હિંસા, 4ને ઇજા, એકની સ્થિતિ ગંભીર

Tuesday 22nd August 2023 11:36 EDT
 
 

લંડનઃ યુકેના ડર્બીશાયરમાં આલ્વાસ્ટન ખાતે રવિવારે બપોરે 4 કલાકે આયોજિત એક કબડ્ડી ટુર્નામેન્ટમાં અથડામણ થતાં ઓછામાં ઓછી 4 વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ મારામારીમાં તલવારો અ બંધૂકોનો છૂટા હાથે ઉપયોગ થયો હોવાનું કહેવાય છે. ઘટનાના વીડિયો ફૂટેજમાં ગોળીબાર થતાં અને લોકોને જીવ બચાવવા નાસતા જોઇ શકાતાં હતાં.

નજરે જોનારા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, બે પરસ્પર વિરોધી જૂથો વચ્ચે ટકરાવ થતાં હિંસા ફાટી નીકળી હતી. એક વ્યક્તિ પર તલવારથી હુમલો કરીને તેના પર ગોળીબાર પણ કરાયાં હતાં. ઘટનાની જાણ થતાં જ પોલીસના 20 વાહન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં.

પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રવિવારે બપોરે એલ્વાસ્ટન લેન ખાતે મોટાપાયે હિંસા આચરાઇ રહી હોવાની અમને જાણ કરાઇ હતી. સ્થાનિક લોકોએ આ હિંસા માટે બે ગેંગને જવાબદાર ગણાવી હતી. હિંસામાં 3 વ્યક્તિને ઇજા થઇ હતી જેમાંથી એકની સ્થિતિ ગંભીર છે. ત્રણેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. પોલીસે સ્થાનિકોને આ હિંસા મુદ્દે વધુ માહિતી આપવાની અપીલ કરી છે. પોલીસે આ મામલામાં ચાર વ્યક્તિની ધરપકડ પણ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter