નર્સ સહિતના સ્કીલ્ડ ભારતીય વર્કર્સને વિઝા છૂટછાટો આપવા બ્રિટન પર ભારતનું પ્રચંડ દબાણ

ભારત નર્સ, કેરગીવર્સ, આઇટી પ્રોફેશનલ્સ, ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટ માટે હળવા વિઝા નિયમો ઇચ્છે છેઃ પીયૂષ ગોયલ

Tuesday 29th August 2023 11:51 EDT
 
 

લંડનઃ યુકે સાથેના મુક્ત વેપાર કરારનો મહત્તમ લાભ ઉઠાવવા માટે ભારત દ્વારા નર્સ અને કેર વર્કર્સ માટે વધુ વિઝાની માગ કરાઇ હોવાનું નવી દિલ્હી ખાતેના સૂત્રોએ જણાવ્યું હતું. બંને દેશ વચ્ચેના મુક્ત વેપાર કરાર પરની 13મા રાઉન્ડની મંત્રણાઓ શરૂ થવાની છે ત્યારે ભારતીય મંત્રણાકારો વિઝા નિયમોમાં છૂટછાટ માટે દબાણ કરી રહ્યાં છે. એક સૂત્રે જણાવ્યું હતું કે વેપાર કરારમાં હજુ કેટલાક જટિલ મુદ્દાઓ પર સહમતિ બાકી છે. ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર ભારત નર્સ, કેરગીવર્સ, આઇટી પ્રોફેશનલ્સ, ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટ જેવી ચોક્કસ સેવાઓ માટે યુકેમાં ભારતીયો માટે હળવા વિઝા નિયમો ઇચ્છે છે જેનો અમલ સ્થાનિક સ્તરે જ કરી શકાય તેમ છે.

ભારતીય વાણિજ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, વિઝા અને ભારતીય કંપનીઓને સુરક્ષા મામલે કેટલાક મુદ્દા પર પ્રવર્તતા મતભેદોનો ઉકેલ હજુ બાકી છે. જો કે યુકેના અધિકારીઓએ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતના નર્સ અને કેર વર્કર્સ સહિતના સ્કીલ્ડ વર્કર્સને સરકારની પોઇન્ટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમમાં કોઇ વિશેષ પ્રકારની છૂટછાટ નહીં અપાય.

એકભારતીય રાજદ્વારીએ જણાવ્યું હતું કે, અમને આશા છે કે 2023ના અંત પહેલાં વેપાર કરાર પર સહમતિ સધાઇ જશે અને તે માટે બ્રિટને સ્કીલ્ડ ભારતીય વર્કર્સ માટે તેના નિયમોમાં છૂટછાટ આપવી પડશે. વેપાર કરારની મોટાભાગની જોગવાઇઓ પર સહમતિ સધાઇ ચૂકી છે. હવે બંને દેશના વડાપ્રધાનોએ સાથે બેસીને કેટલીક છૂટછાટો પર નિર્ણય લેવો જોઇએ.

યુકે-ભારત મુક્ત વેપાર કરાર હાથવેંતમાઃ નિર્મલા સીતારમણ

લંડનઃ ભારતના નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે જણાવ્યું હતું કે, આર્થિક વૃદ્ધિ અને નોકરીઓને વેગ આપવા માટેના કરારના વ્યાપક રૂપરેખા પર સર્વસંમતિ વચ્ચે ભારત આ વર્ષના અંત સુધીમાં બ્રિટન સાથે મુક્ત વેપાર સોદા પર વાટાઘાટો પૂર્ણ કરવાની આશા રાખે છે. યુકે સાથે મુક્ત વેપાર કરાર ખૂબ જ નજીક છે તેમ કહેવું અયોગ્ય નહીં ગણાય.

દવાઓની પેટન્ટના મામલે મુક્ત વેપાર કરાર ઘોંચમાં પડવાની સંભાવના

લંડનઃ સસ્તી જનરિક દવાઓના ઉત્પાદન પર નવા નિયંત્રણો લાદવાની યુકેની માગણીના પગલે સર્જાયેલા વિવાદથી ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરારમાં વધુ વિલંબ થઇ શકે છે. જનરિક કંપનીઓ સામે મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓને સંરક્ષણ આપવા દવાઓની સસ્તી નકલ તૈયાર કરી લેવાય તે પહેલાં દવાઓની પેટન્ટને વિસ્તારવી જોઇએ તેવી બ્રિટનની માગણીને ભારતીય અધિકારીઓએ નકારી કાઢી છે. બ્રિટન ઇચ્છે છે કે ભારત કથિત TRIPS પ્લસ પ્રણાલિનો સ્વીકાર કરે જે દવાઓને લાંબુ પેટન્ટ સંરક્ષણ આપે છે. ભારત દવાઓની પેટન્ટના મામલે લાગુ થતા આંતરરાષ્ટ્રીય કરારોનો સભ્ય છે. ભારતના વાણિજ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું છે કે યુકે આ જોગવાઇને મુક્ત વેપાર કરારમાં સામેલ કરાવી શકશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter