લંડનઃ લંડન એસેમ્બ્લીના સભ્ય કૃપેશ હીરાણી (એએમ)એ સરકારને નો ફોલ્ટ ઇવિક્શન પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી છે. ગ્રેટર લંડન એસેમ્બ્લીમાં હેરો અને બ્રેન્ટના પ્રતિનિધિ એવા હીરાણીએ સરકારને આ મામલો સંસદમાં ઉઠાવવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, ભાડૂઆતોને સુરક્ષિત ઘર અને સ્થિર જીવનનો અધિકાર હોવો જોઇએ. તેઓ કોઇપણ કારણ વિના મકાન ખાલી કરાવી દેવાશે તેવા ભયથી મુક્ત રહેવા જોઇએ.
હીરાણીએ જણાવ્યું હતું કે, હાલ હેરોમાં 260 રહેવાસીઓ પર ઘરવિહોણા બની જવાનું જોખમ તોળાઇ રહ્યું છે. સરકારે કાયદો બનાવીને ઘર ખાલી કરાવવા માટે અપાતી નોટિસ માટેની કલમ 21નો તાત્કાલિક અંત લાવવો જોઇએ. હેરોમાં ગયા વર્ષએ સેક્શન 21 અંતર્ગત 102 પરિવારને નોટિસ પાઠવવામાં આવી હતી.
હીરાણીએ જણાવ્યું હતું કે, ભાડૂઆતોને સુરક્ષિત ઘર અને સ્થિર જીવનનો અધિકાર હોવો જોઇએ. કોઇપણ વ્યાજબી કારણ વિના તેમને ઘર ખાલી કરવાની ફરજ પાડવામાં આવશે તેવા ભયથી તેઓ મુક્ત હોવા જોઇએ. સરકારે 4 કરતાં વધુ વર્ષ પહેલાં નો ફોલ્ટ ઇવિક્શન રદ કરવાનું વચન આપ્યું હતું પરંતુ ભાડૂઆતોને સંરક્ષણ આપવા માટે હજુ કોઇ કાર્યવાહી સરકાર દ્વારા કરાઇ નથી. હેરોના રહેવાસીઓ અને પરિવારો આ સમયગાળામાં હોમલેસનેસનો સામનો કરી ચૂક્યાં છે જે થવું જોઇતું નહોતું. સરકારે સેક્શન 21 અંતર્ગત અપાતી નોટિસોનો અંત લાવવા કાયદો ઘડી કાઢવો જોઇએ.


