લંડનઃ પરિવારના બાળકોની સંભાળ લેતાં દાદા-દાદી પરિવારો માટે ચાઇલ્ડકેર માટે થતા ખર્ચ પેટે પ્રતિ વર્ષ 96 બિલિયન પાઉન્ડની બચત કરી આપે છે. બાળકોની સંભાળ લેવા માટે જો દાદા-દાદીને પ્રતિ સપ્તાહ 22 કલાક માટે નાણા ચૂકવવા પડે તો તેમને વાર્ષિક 13,188 પાઉન્ડ ચૂકવવાનો વારો આવે. હાલમાં પ્રવર્તી રહેલી મોંઘવારીના કારણે સંઘર્ષ કરી રહેલા માતાપિતાને તેમના સંતાનોની કાળજી માટે સગાવહાલાંની મદદ લેવી પડે છે.
એક રિસર્ચ પ્રમાણે યુકેમાં 50 ટકા કરતાં વધુ દાદા-દાદી તેમના સંતાનોના સંતાનોને વિનામૂલ્યે સાચવીને પરિવાર માટે પ્રતિ વર્ષ હજારો પાઉન્ડની બચત કરી રહ્યાં છે. હાલની કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસના કારણે માતા-પિતા એવી આશા રાખી રહ્યાં છે કે 1થી 2 વર્ષના બાળકો માટે ફ્રી ચાઇલ્ડકેરની સુવિધા આગામી વર્ષથી લંબાવવામાં આવે.
રિસર્ચ પ્રમાણે દર 3માંથી 1 દાદા-દાદી શાળાના વેકેશન અને જાહેર રજાઓના દિવસોમાં પોતાના પત્ર-પૌત્રીની કાળજી લે છે. દાદા-દાદી રીઅલ હીરો પૂરવાર થઇ રહ્યાં છે. તેઓ બાળકોની કાળજી લેવા ઉપરાંત તેમને વ્યવહારુ અને લાગણીશીલ સહારો પૂરો પાડે છે અને માતાપિતાના હજારો પાઉન્ડની બચત પણ કરી આપે છે. રિસર્ચ પ્રમાણે દાદા-દાદી આ રીતે પરિવારના પ્રતિ સપ્તાહ સરેરાશ 250 પાઉન્ડ બચાવી આપે છે. જો દાદા-દાદી આ બાળકોની કાળજી ન લે તો તેમના માતાપિતાને આર્થિક સંઘર્ષની નોબત આવે.


