લંડનઃ ભારતના ચંદ્રયાન મિશનની સફળતાથી કેટલાક બ્રિટિશરોના પેટમાં તેલ રેડાયું છે. એક વાઇરલ બની રહેલા વીડિયોમાં જીબી ન્યૂઝનો પેટ્રિક ક્રિસ્ટીસ નામનો એક બ્રિટિશ પત્રકાર એમ કહી રહ્યો છે કે ભારતે 2016થી 2021 વચ્ચે બ્રિટન દ્વારા અપાયેલી રૂપિયા 24,081.09 કરોડની સહાય બ્રિટનને પરત કરી દેવી જોઇએ. વીડિયોમાં પેટ્રિક ક્રિસ્ટીસ એમ કહી રહ્યો છે કે, હું ભારતને તેના ચંદ્રયાન-3 મિશનની સફળતા પર અભિનંદન આપું છું પરંતુ ભારતે વર્ષ 2016થી 2021 વચ્ચે બ્રિટન સરકાર તરફથી મળેલી રૂપિયા 24,081.09 કરોડની સહાય પરત કરી દેવી જોઇએ. બ્રિટન આગામી વર્ષે ભારતને રૂપિયા 597.03 કરોડની સહાય આપવાનો છે. મને લાગે છે કે બ્રિટિશ કરદાતાઓના ભોગે અપાતી સહાય સ્થગિત કરી દેવી જોઇએ. બ્રિટને સ્પેસ પ્રોગ્રામ ચલાવતા હોય તેવા દેશોને સહાય આપવી જોઇએ નહીં.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ વીડિયોને ભારતીય નેટિઝન્સ દ્વારા ઉગ્ર પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. ભારતીયોએ પેટ્રિક ક્રિસ્ટીસ પર વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, બ્રિટને તેના શાસન દરમિયાન ભારતમાંથી લૂટેલા 45 ટ્રિલિયન ડોલર અને કોહીનૂર હીરો પરત કરી દેવા જોઇએ.


