પોસ્ટ ઓફિસમાંથી જ ખરીદાયેલી ટપાલ ટિકિટો બનાવટી?

પોસ્ટ ઓફિસ અથવા રોયલ મેઇલની વેબસાઇટ પરથી ટિકિટો ખરીદી હોવા છતાં તેને અમાન્ય ગણાવવામાં આવતી હોવાની સંખ્યાબંધ ગ્રાહકોની ફરિયાદ

Tuesday 08th August 2023 11:14 EDT
 
 

લંડનઃ 1 ઓગસ્ટથી બારકોડ વિનાની ટપાલ ટિકિટ બંધ કરાતાં રોયલ મેઇલના ગ્રાહકો પોસ્ટ ઓફિસમાંથી ખરીદેલી જૂની ટપાલ ટિકિટ બદલાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ રોયલ મેઇલ ઘણા ગ્રાહકોને એમ જણાવી રહી છે કે તેમની પાસેની ટપાલ ટિકિટો બનાવટી છે. સંખ્યાબંધ ગ્રાહકોની ફરિયાદ છે કે અમે પોસ્ટ ઓફિસ ખાતેથી ટિકિટ ખરીદી હોવા છતાં તેને બનાવટી ગણાવવામાં આવી રહી છે. ગ્રાહકોની ફરિયાદ છે કે અમે પોસ્ટ ઓફિસ અથવા તો રોયલ મેઇલની વેબસાઇટ પરથી ટપાલ ટિકિટો ખરીદી હોવા છતાં તેને અમાન્ય ગણાવવામાં આવી રહી છે.

કેટલાક લેબર કાઉન્સિલરોએ પણ જણાવ્યું હતું કે, અમે કેટલીક ટપાલ મોકલવા માટે નવી બારકોડ ધરાવતી ટિકિટોનો ઉપયોગ કર્યો તેમ છતાં સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. જોકે રોયલ મેઇલે નવી બારકોડ સ્કેનિંગ સિસ્ટમમાં સમસ્યા હોવાનો ઇનકાર કરવાની ના પાડી દીધી હતી.

આ સમસ્યાના કારણે ઘણી અંધાધૂંધી સર્જાઇ છે. નવી સિસ્ટમના કારણે ગ્રાહકોને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવા રોયલ મેઇલ સમક્ષ માગ કરાઇ છે.

હાર્ટલપુલમાં સુસાન હેરિસન નામની એક ગ્રાહકે ડબલ્યૂએચ સ્મિથમાં પોસ્ટ ઓફિસ કાઉન્ટર પરથી ખરીદેલી 8 જૂની ટિકિટ બદલાવવા માટે રોયલ મેઇલને મોકલી આપી હતી. થોડા સપ્તાહ પછી આ ગ્રાહકને જવાબ મળ્યો હતો કે તમે મોકલેલી ટિકિટ બદલી શકાય તેમ નથી કારણ કે તે વપરાયેલી અથવા તો બનાવટી છે. સુસાને જણાવ્યું હતું કે, જો અમે પોસ્ટ ઓફિસમાંથી અસલ ટિકિટ ખરીદી શક્તાં નથી તો અમારે ક્યાંથી ખરીદવી. દુર્ભાગ્યની વાત તો એ છેકે જો રોયલ મેઇલ ટિકિટને બનાવટી ગણાવે છે તો ટપાલ મેળવનારને નોટિસ પાઠવવામાં આવે છે કે ટપાલ મેળવવા માટે 2.50 પાઉન્ડનો સરચાર્જ ચૂકવવો પડશે.

નવી બારકોડ ધરાવતી ટપાલ ટિકિટો પણ અમાન્ય....!!

જૂની ટિકિટો જ નહીં પરંતુ નવી બારકોડ ધરાવતી ટિકિટોને પણ રોયલ મેઇલ દ્વારા અમાન્ય ગણાવવામાં આવી રહી છે. ડોડસન એન્ડ હોર્રેલ ઇક્વાઇન ચેમ્પિયનશિપના આયોજકોએ ગયા મહિને ગ્રાન્ટહેમ, લિન્કનશાયર ખાતેની પોસ્ટ ઓફિસમાંથી ખરીદેલી નવી બારકોડ ધરાવતી ટપાલ ટિકિટ સાથે 200 કરતાં વધુ સ્પર્ધક પેક પોસ્ટ કર્યાં હતાં. પરંતુ તેમને સ્પર્ધકો તરફથી ફોન આવવા લાગ્યા હતા કે તમે શા માટે અગાઉ વપરાઇ ચૂકેલી ટિકિટનો ઉપયોગ કરો છો ત્યારે તેમને ઘણો આઘાત લાગ્યો હતો. સ્પર્ધકોને આ પેક મેળવવા માટે રોયલ મેઇલને 2.50 પાઉન્ડનો સરચાર્જ ચૂકવવો પડ્યો હતો.

રોયલ મેઇલના સુરક્ષિત પ્રેસમાં ટિકિટ છપાય છેઃ પોસ્ટ ઓફિસ

પોસ્ટ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસ લિમિટેડને રોયલ મેઇલના સુરક્ષિત પ્રેસમાં છપાતી ટિકિટો પ્રાપ્ત થાય છે અને તે અમારા અનુભવી પોસ્ટ માસ્ટરોને મોકલી અપાય છે. અમારી શાખાઓમાં બનાવટી ટિકિટો વેચાતી હોવાના આરોપોને અમે ગંભીરતાથી લઇએ છીએ. પોસ્ટ ઓફિસમાંથી બનાવટી ટિકિટ વેચાતી હોય તો પુરાવા તરીકે રિસિપ્ટ રજૂ કરવા અમે અપીલ કરીએ છીએ. રોયલ મેઇલે પણ ટિકિટ બનાવટી છે કે કેમ તે માટે બેવડી ચકાસણી કરવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter