લંડનઃ પ્રાઇવેટ સ્કૂલોની ફી પહેલીવાર 50,000 પાઉન્ડ પ્રતિ વર્ષને પાર કરી ગઇ છે. હેરો સ્કૂલ, ડલવિચ કોલેજ અને ચેલ્ટેનહામ લેડીઝ કોલેજ સહિતની 10 બોર્ડિંગ સ્કૂલે ઘરેલુ વિદ્યાર્થીઓ માટેની ફીમાં સ્થાપિત મર્યાદા કરતાં પણ વધુનો વધારો ઝીંકી દીધો છે. આ પ્રતિષ્ઠિત પ્રાઇવેટ સ્કૂલો દ્વારા વાર્ષિક ફીમાં અંદાજિત 8 ટકાનો વધારો કરાયો છે. દેશની તમામ પ્રાઇવેટ સ્કૂલોમાં ફી છેલ્લા 20 વર્ષમાં સૌથી ઝડપથી વધી રહી છે તેથી મધ્યમવર્ગીય પરિવારોના સંતાનો માટે આ શાળાઓમાં પ્રવેશ દીવાસ્વપ્ન સમાન બની રહ્યો છે.
આ શાળાઓની દલીલ છે કે ખાદ્યપદાર્થોની કિંમતો, એનર્જી અને વેજ બિલમાં વધારાના કારણે સપ્ટેમ્બરથી શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રમાં ફી વધારવાની ફરજ પડી રહી છે. કેટલીક શાળાઓ વાલીઓને ચેતવણી આપી રહ્યાં છે કે જો લેબર પાર્ટી સત્તામાં આવશે તો તે શૈક્ષણિક ફી પર વેટ લાગુ કરી શકે છે.
ડરહામમાં ઓછી ફી ધરાવતી પ્રાઇવેટ સ્કૂલના સ્થાપક પ્રેસર જેમ્સ ટૂલી કહે છે કે ફી વધારાના કારણે મધ્યમવર્ગીય પરિવારના સંતાનો પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરી શકશે નહીં. શરમજનક બાબત એ છે કે આ પ્રાઇવેટ સ્કૂલો અમીરોનાં સંતાનો પર જ નજર રાખી રહી છે. ગરીબ પરિવારના સંતાનોને પણ પ્રાઇવેટ સ્કૂલની જરૂર હોય છે. તેઓ એવી શાળાઓ ઇચ્છે છે જે તેમના પ્રત્યે જવાબદાર હોય.


