લંડનઃ ફુગાવા સામેની લડાઇ જારી રાખતાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડે સતત 14મી વાર વ્યાજદરમાં વધારો કરતાં યુકેમાં વ્યાજદર છેલ્લા 15 વર્ષની ટોચે પહોંચી ગયો છે. ગયા ગુરુવારે બેક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજદરમાં 25 બેઝિસ પોઇન્ટનો વધારો કરતાં 5.25 ટકા પર પહોંચ્યો છે. વ્યાજદરમાં આ વધારો મોર્ગેજધારકોને માટે પીડા સમાન છે પરંતુ બચતકર્તાઓને તેનાથી લાભ થશે.
બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેઇલીએ જણાવ્યું હતું કે, અમે સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે ફુગાવાનો દર 2 ટકા પર આવી જાય અને તે સ્તરે યથાવત રહે. આગામી દિવસોમાં આર્થિક સ્થિતિ કેવી રહે છે તેના પર વ્યાજ દરમાં વધારાનો આધાર રહેલો છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે જણાવ્યું હતું કે, 2023ના અંત સુધીમાં ફુગાવાનો દર ઘટીને 4.9 ટકા પર આવવાનો અંદાજ છે. બેઇલીએ જણાવ્યું હતું કે, ફુગાવાનો દર ઘટી રહ્યો છે તે સારા સંકેત છે. જૂન મહિનામાં ફુગાવાનો દર મેના 8.7 ટકાની સરખામણીએ ઘટીને 7.9 ટકા પર આવી ગયો હતો. હવે જુલાઇ માસના આંકડા પર આગામી વ્યાજદરના વધારાનો આધાર રહેલો છે.
વ્યાજદરમાં વધારાની મોર્ગેજ પર અસર
સરકારના ઇંગ્લિશ હાઉસિંગ સરવે અનુસાર ફક્ત 33 ટકા પરિવાર મોર્ગેજ ધરાવે છે. 1.4 મિલિયન લોકોએ ટિપિકલ ટ્રેકર અને સ્ટાન્ડર્ડ વેરિએબલ રેટ પર મોર્ગેજ લીધેલાં છે. તેમના માસિક બિલમાં તાત્કાલિક વધારો થશે. ટિપિકલ ટ્રેકર મોર્ગેજ ધરાવનારા મોર્ગેજ ધારકોના માસિક બિલમાં 24 પાઉન્ડ અને સ્ટાન્ડર્ડ વેરિએબલ રેટ ધારકોના માસિક બિલમાં 15 પાઉન્ડનો વધારો થશે. 75 ટકા જેટલાં મોર્ગેજ ધારકો ફિક્સડ રેટ મોર્ગેજ ધરાવે છે. તેમના માસિક બિલમાં તાત્કાલિક તો કોઇ વધારો થશે નહીં. પરંતુ આ વર્ષે 1.8 મિલિયન લોકો રિમોર્ગેજ કરાવશે. તે સમયે તેમને વધુ મોર્ગેજ દરનો સામનો કરવો પડી શકે છે.
ક્રેડિટ કાર્ડ પેમેન્ટ અને લોન રિપેમેન્ટ પર અસર
વ્યાજદરમાં વધારાની અસર ક્રેડિટ કાર્ડ, બેન્ક લોન, કાર લોનની પુનઃચૂકવણી પર પડી શકે છે. એપ્રિલ માસમાં બેન્ક ઓવરડ્રાફ્ટ પર વાર્ષિક વ્યાજદર 21.86 ટકા અને ક્રેડિટ કાર્ડ પર 20.13 ટકા હતો. ધીરાણકર્તાઓ હવે આ દરોમાં વધારો કરી શકે છે.
વ્યાજદરમાં વધારાની બચત પર અસર
વ્યાજદરમાં વધારાનો લાભ બેન્કો અનેબિલ્ડિંગ હાઉસિંગ સોસાયટીઓ ગ્રાહકોને આપતી રહે છે. ઘણી બેન્કો દ્વારા બચત ખાતાઓ પર સારું વ્યાજ ચૂકવવામાં આવે છે. પરંતુ જે બેન્કો વ્યાજદરમાં વધારાનો લાભ ગ્રાહકોને આપતી નથી તેમને યુકેની ફાઇનાન્સિયલ વોચડોગ દ્વારા આકરાં પગલાંની ચેતવણી અપાઇ છે.


