લંડનઃ કોરોના મહામારી દરમિયાન સ્ટાર્ટ અપ કંપનીઓને સહાય કરવા તત્કાલિન ચાન્સેલર રિશી સુનાક દ્વારા શરૂ કરાયેલી આર્થિક સહાય યોજના અંતર્ગત તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે સંકળાયેલી કંપનીઓમાં અંદાજિત 2 મિલિયન પાઉન્ડનું રોકાણ કરાયું હોવાનું એક અખબારી તપાસમાં બહાર આવ્યું છે. એપ્રિલ 2020માં સુનાક દ્વારા ફ્યુચર ફંડનો પ્રારંભ કરાયો હતો જેના દ્વારા સ્ટાર્ટ અપ કંપનીઓને 6 મિલિયન ડોલર સુધીની લોન અપાઇ હતી.
ગાર્ડિયન અખબારના એનાલિસિસ અનુસાર અક્ષતા મૂર્તિ સાથે સંકળાયેલી ચાર કંપનીને ફ્યુચર ફંડમાથી અંદાજિત 2 મિલિયન પાઉન્ડનું રોકાણ પ્રાપ્ત થયું હતુ. આ કંપનીઓમાં કેરોસેલ વેન્ચર્સ, ન્યૂ ક્રાફ્ટ્સમેન, મિસિસ વર્ડસ્મિથ અને ડિગમી ફિટનેસનો સમાવેશ થાય છે. કેરોસેલ વેન્ચર્સમાં અક્ષતા મૂર્તિની કંપની ભાગીદારી ધરાવે છે. બાકીની ત્રણે કંપનીઓમાં તેઓ શેર હિસ્સો ધરાવતા હતા. ટીકાકારોએ સુનાકની આ યોજનામાં પારદર્શિતાનો અભાવ હોવાનો આરોપ મૂક્યો છે.


