લંડનઃ એનએચએસ ફ્લૂ અને કોરોનાના દર્દીઓની સારવાર માટે વર્ચ્યુઅલ વોર્ડની રચના કરશે. આ અંતર્ગત એનએચએસ દ્વારા દર્દીને ફિટબિટ-સ્ટાઇલની વોચ અપાશે જેના દ્વારા દર્દીની ઘેરબેઠા સારવાર થઇ શકશે. આ યોજનાના કારણે પ્રતિ દર્દી 900 પાઉન્ડ બચાવી શકાશે. આગામી શિયાળામાં કથિત વર્ચ્યુઅલ વોર્ડમાં ફ્લૂ, કોવિડ અને અન્ય શ્વાસની બીમારીઓથી પીડાતા લાખો દર્દીઓને સારવાર અપાશે. એનએચએસના વડાઓને ચિંતા સતાવી રહી છે કે વાઇરસના કારણે થતી બીમારીઓના કારણે એનએચએસની સેવાઓ પર પ્રચંડ દબાણ સર્જાઇ શકે છે.
આ યોજના અંતર્ગત દર્દીઓને વેરેબલ ડિવાઇસ અપાશે જેના દ્વારા તેમના હૃદયના ધબકારા અને ઓક્સિજન સેચ્યુરેશન મોનિટર કરાશે. એપ્સ સાથેના મોબાઇલ ડિવાઇસ દ્વારા દર્દીઓને સીધા તેમના ડોક્ટર સાથે કનેક્ટ કરાશે. એનએચએસની આ યોજનામાં ઓક્ટોબર સુધીમાં 10,000 વર્ચ્યુઅલ વોર્ડ બેડની રચના કરાશે. ગંભીર બીમાર દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરાશે. આ પગલાંથી દર્દીઓને વહેલા ડિસ્ચાર્જ કરી શકાશે જેના કારણે અન્ય ગંભીર દર્દીઓને ઝડપથી બેડ ઉપલબ્ધ બનશે.
એનએચએસના મેડિકલ ડિરેક્ટર સર સ્ટિફન પોવિસે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં વર્ચ્યુઅલ વોર્ડમાં 2,10,000 દર્દીઓને સારવાર અપાઇ ચૂકી છે અને તેના પ્રોત્સાહનજનક પરિણામ પ્રાપ્ત થયાં છે. હવે અમે તેનો ઉપયોગ શ્વાસની ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે કરવા માગીએ છીએ.


