લંડનઃ બાબેટ વાવાઝોડાએ સ્કોટલેન્ડ, ઇંગ્લેન્ડ અને વેલ્સને ઘમરોળી નાખ્યાં હતાં. ભારે તોફાનના કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં સ્કોટલેન્ડમાં 3 અને ઇંગ્લેન્ડમાં બેનાં મોત થયાં હતાં. સ્કોટલેન્ડમાં ભારે વરસાદને પગલે અસામાન્ય પૂરની સ્થિતિ સર્જાતાં કેટલાક વિસ્તારોમાં ફક્ત હોડી દ્વારા જ જઇ શકાતું હતું. બચાવ કર્મીઓએ સેંકડો મકાન ખાલી કરાવવાની ફરજ પડી હતી. બાબેટ વાવાઝોડાએ સ્કોટલેન્ડમાં બે વ્યક્તિનો ભોગ લીધો હતો જ્યારે એક લાપતાની શોધખોળ જારી છે. સ્કોટલેન્ડ પોલીસના જણાવ્યા અનુસાર નદીમાં તણાઇ જવાના કારણે 57 વર્ષીય મહિલાનું મોત થયું હતું જ્યારે વાન વૃક્ષ સાથે અથડાઇ જવાના કારણે ફોરફારમાં એક 56 વર્ષીય પુરુષનું મોત થયું હતું. ભારે પવનો અને વરસાદી તોફાનના કારણે 40,000 જેટલાં મકાનોમાં વીજળી ગૂલ થઇ ગઇ હતી. બાબેટ વાવાઝોડાના કારણે સમગ્ર દેશમાં અંધાધૂંધી સર્જાઇ હતી. સંખ્યાબંધ વિસ્તારોમાં પાણી ભરાઇ જવાના કારણે લોકોને સલામત સ્થળોએ ખસેડવાની ફરજ પડી હતી. પાણીના ધસમસતા પ્રવાહમાં સંખ્યાબંધ વાહનો પલટી ખાઇ જવાના કારણે સડકો પર ભયજનક સ્થિતિનું નિર્માણ થયું હતું.


