લંડનઃ વિવાદાસ્પદ બિઝનેસ ટાયકૂન મોહમ્મદ અલ ફાયેદનું 94 વર્ષની વયે નિધન થયું છે. 1997માં ફાયેદના પુત્ર ડોડીનું પ્રિન્સેસ ડાયના સાથે કાર અકસ્માતમાં મોત થયું હતું. ફાયેદના પરિવારે જણાવ્યું હતું કે, મોહમ્મદ અલ ફાયેદે નિવૃત્તિનો લાંબો સમય તેમના પરિવારજનો મધ્યે વ્યતિત કર્યો હતો. પરિવારે આ દુઃખના પ્રસંગે તેમની પ્રાઇવસીનું સન્માન કરવાની અપીલ કરી હતી. મોહમ્મદ અલ ફાયેદ આખા બોલા અને બેફામ નિવેદનો આપવા માટે કુખ્યાત હતા. કન્ઝર્વેટિવ પાર્ટી સામેનો તેમનો બદલો, હેરોડ્સ ડિપાર્ટમેન્ટલ સ્ટોરની વિવાદાસ્પદ ખરીદી, ફુલહામ ફૂટબોલ ક્લબની માલિકી અને પેરિસમાં રિટ્ઝ હોટેલની માલિકી માટે તેમને યાદ કરાશે. તેમનો બિઝનેસ શિપિંગ, પ્રોપર્ટી, બેન્કિંગ, ઓઇલ, રિટેલ અને કન્સ્ટ્રક્શન સેક્ટરોમાં ફેલાયેલો હતો. તેઓ સખાવતી પણ હતાં. તેમનું ફાઉન્ડેશન યુકે, થાઇલેન્ડ અને મોંગોલિયામાં બાળકોને મદદ કરી રહ્યું છે.


