લંડનઃ વડાપ્રધાન રિશી સુનાક ઇચ્છે છે કે બ્રિટન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેફ્ટીમાં વર્લ્ડ લીડર બને. તેમણે જણાવ્યું હતું કે, બ્રિટન વિશ્વના સૌપ્રથમ એઆઇ સેફ્ટી ઇન્સ્ટિટ્યુટની સ્થાપના કરશે. આ ઇન્સ્ટિટ્યુટ નવા પ્રકારના એઆઇની ચકાસણી, મૂલ્યાંકન અને પરીક્ષણ કરશે. જેથી આપણે સમજી શકીએ કે એઆઇનું દરેક મોડેલ કેટલું સક્ષમ છે. તેના દ્વારા પક્ષપાત અને ખોટી માહિતી જેવા સૌથી ગંબીર જોખમ ધરાવતા સામાજિક નુકસાનને ચકાસી શકાશે.
વડાપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, એકતરફ એઆઇ આર્થિક વૃદ્ધિને વેગ આપશે, માનવીય ક્ષમતાઓને આગળ વધારશે અને આપણી ક્ષમતા બહારની સમસ્યાઓના ઉકેલ પણ આપશે પરંતુ સાથે સાથે તે નવા જોખમો અને ભય પણ લાવશે. મારી ફરજ એ છે કે હું આ પ્રકારના ભય ટાળવા પર ધ્યાન કેન્દ્રિત કરું, તમને માનસિક શાંતિ મળે અને તમે સુરક્ષિત અનુભવો તેની કાળજી લઉં. તે ઉપરાંત એઆઇ દ્વારા પ્રાપ્ત થનારા સારા ભવિષ્યની તમામ તકો તમને તથા તમારા બાળકોને મળે તે સુનિશ્ચિત કરું.
સુનાકે ચેતવણી આપી હતી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી રાસાયણિક અને જૈવિક હથિયારો તૈયાર કરવા સરળ બની જશે. આતંકવાદી સંગઠનો દ્વારા મોટાપાયે હુમલા કરવામાં એઆઇનો ઉપયોગ થઇ શકે છે. એવું પણ બની શકે કે સમાજ એઆઇ પરનું નિયંત્રણ સંપુર્ણપણે ગુમાવી દે. તેથી એઆઇના જોખમો સામે આપણે શાહમૃગી વૃત્તિ અપનાવી શકીએ નહીં.


