બ્રિટન ક્રાઇમ ફાઇલ્સ

Tuesday 22nd August 2023 12:07 EDT
 
 

લંડનમાં ભારતીય રેસ્ટોરન્ટ પર ગોળીબાર માટે લોર્ડ પેટનનો જમાઇ દોષી

લંડનઃ પશ્ચિમ લંડનના ગ્રીનફોર્ડ ખાતેના ભારતીય રેસ્ટોરન્ટ પીબીકે કરી હાઉસ ખાતે ગોળીબારની ઘટનામાં લોર્ડ પેટન ફ બાર્નેસના જમાઇ એલ્ટન ચાર્લ્સની સંડોવણી બહાર આવી છે. એલ્ટન ચાર્લ્સે હોંગકોંગના ગવર્નરની દીકરી સાથે લગ્ન કર્યાં છે. પીબીકે કરી હાઉસ પર ગોળીબારમાં સંડોવણી માટે એન્લટને દોષી ઠેરવાયો છે. કિંગસ્ટન ક્રાઉન કોર્ટ ખાતે મંગળવારે જાહેર કરાયેલા ચુકાદામાં એસ્ટન અને તેન ભાઇને દોષી ઠેરવવામાં આવ્યાં હતાં. જ્યુરીએ તેના નિર્ણયમાં જણાવ્યુ હતું કે, હિંસા અને ભય ફેલાવવા માટે એસ્ટન ચાર્લ્સે પોતાની પાસે ગન રાખી હતી. હુમલા દરમિયાન એસ્ટને ગેટઅવે ડ્રાઇવર હોવાનો ડોળ કરી તેના સાવકા ભાઇને હુમલો કરવામાં મદદ કરી હતી. એસ્ટનની સાથે નિકોલસ ગ્રાન્ટ અને લી મોર્ગનને પણ દોષી ઠેરવાયાં હતાં.

હેરોમાં ચાકુબાજીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો

લંડનઃ લંડનના સૌથી સુરક્ષિત ગણાતા બરો પૈકીની એક નોર્થ લંડન કાઉન્સિલમાં તાજેતરમાં ચાકુ વડે થતા હુમલામાં ચિંતાજનક વધારો થતાં કાઉન્સિલે અપરાધીઓ સામે કડક હાથે કામ લેવાનું વચન આપ્યું છે. 2023ના પ્રારંભથી અત્યાર સુધીમાં હેરો વિસ્તારમાં ચાકુ વડે હુમલાની પાંચ ઘટના બની ચૂકી છે. જેના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું અને 7ને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. અપરાધીઓને ડામવા માટે મેટ્રોપોલિટન પોલીસ અને હેરો કાઉન્સિલ શાળાઓ અને સ્થાનિક સમુદાયો સાથે મળીને કામ કરી રહ્યાં છે.

બે સગીરાના શારીરિક શોષણ માટે ગ્રુમિંગ ગેંગના પાંચ દોષી

લંડનઃ રોચડેલ વિસ્તારમાં વર્ષ 2002થી 2006ની વચ્ચે બે સગીરાઓનું શારીરિક શોષણ કરનારી એક ગેંગના પાંચ સભ્યોને દોષી ઠેરવવામાં આવ્યાં છે. મોહમ્મગ ગની, ઇન્સાર હુસેન, જહાન શાહિદ ગની, માર્ટિન રહોડ્સ અને અલી રઝા હુસેન કાઝમી આ સગીરાઓને તેમની શાળાની બહારથી જ ઉઠાવી જતાં અને તેમનું શારીરિક શોષણ કરતાં હતાં. મિન્શલ સ્ટ્રીટ ક્રાઉન કોર્ટ દ્વારા આ પાંચેય દોષિતોને સજાની સુનાવણી આગામી દિવસોમાં કરાશે.

આઇફોનની બનાવટી બેટરી વેચવા માટે 40,000 પાઉન્ડ પરત કરવા સંજય ગિરીને આદેશ

લંડનઃ ઇ-બે પર આઇફોનની બનાવટી બેટરી વેચવા દ્વારા એકઠાં કરેલા 40,000 પાઉન્ડ પરત કરવા હિલિન્ગડનના 54 વર્ષીય સંજય ગિરીને અદાલત દ્વારા આદેશ અપાયો છે. તે ઉપરાંત તેમને કોર્ટ કોસ્ટ પેટે 10,000 પાઉન્ડ ચૂકવવાનો પણ આદેશ અપાયો છે. ગિરીને આઇલ્સવર્થ ક્રાઉન કોર્ટની જ્યુરી દ્વારા 3 માર્ચના રોજ દોષી ઠેરવવામાં આવ્યો હતો. સંજય ગિરી ઇ-બે પર લિથિયમ પાવર લિમિટેડ કંપનીના નામે એપલના આઇ-ફોનની બનાવટી બેટરીનું વેચાણ કરતો હતો.

બનાવટી સિગારેટ વેચતો સ્ટોર 3 મહિના માટે બંધ કરવાનો આદેશ

લંડનઃ લેસ્ટરશાયર પોલીસ અને લેસ્ટરશાયર કાઉન્ટી કાઉન્સિલ દ્વારા અપાયેલી અરજીના પગલે બનાવટી સિગારેટ વેચતા ઝડપાયેલી લોફબરોની દુકાનને બંધ કરાવી દેવાઇ છે. મિડો લેનમાં આવેલ ઇન્ટરનેશનલ સુપરમાર્કેટને 3 મહિના માટે બંધ કરવાનો આદેશ લેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા અપાયો છે. કાઉન્સિલની ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ ટીમ અને પોલીસ દ્વારા પડાયેલા સંખ્યાબંધ દરોડામાં આ સ્ટોર બનાવટી સિગારેટ વેચતી હોવાનું સામે આવ્યું હતું.

પબમાં ગેરકાયદેસર નોકરી માટે ભારતીયને 250 પાઉન્ડનો દંડ

લંડનઃ પબમાં ગેરકાયદેસર રીતે ડોર સુપરવાઇઝર તરીકે કામ કરતા ઝડપાયેલા એક ભારતીયને વોર્સેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે 250 પાઉન્ડનો દંડ ફટકાર્યો છે. અદાલતે વિક્રમજિત શર્માને વિક્ટિમ સરચાર્જ પેટે 100 પાઉન્ડ ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. વારામાં પ્રોસિક્યુશન કોસ્ટ પેટે વિક્રમજિતે 1663.80 પાઉન્ડ ચૂકવવા પડશે. તેના પર કલેક્શન ઓર્ડર પણ લાગુ કરાયો છે. 4 નવેમ્બર 2022ના રોજ વોર્સેસ્ટરમાં રાતના સમય દરમિયાન પોલીસે પબમાં કરેલી તપાસ દરમિયાન વિક્રમજિત ગેરકાયદેસર રીતે કામ કરતો હોવાનું માલૂમ પડ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter