લંડનઃ ભારત અને બ્રિટને વ્યાપાર મંત્રણા માટે વિવાદના મોટાભાગના મુદ્દા પર વલણ હળવું કર્યું છે. મુક્ત વેપાર કરાર અંતર્ગત ભારત બ્રિટિશ કાર અને સ્કોચ વ્હિસ્કી પર વેરા ઘટાડવા સહમત થયું છે જ્યારે બ્રિટને ભારતીય પ્રોફેશનલ્સ માટે વિઝા નિયમો હળવા કરવા તૈયારી બતાવી છે. ભારતીય અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે કે યુકે ભારતીય પ્રોફેશનલ્સ માટે કેટલાક વિઝા નિયમો હળવા બનાવવા ઇચ્છે છે. જોકે બ્રિટિશ અધિકારીના જણાવ્યા અનુસાર કોઇપણ પ્રકારની વિઝા નિયમોમાં છૂટછાટ મર્યાદિત રહેશે કારણ કે હાલ યુકેમાં ઇમિગ્રેશન રાજકીય સંવેદનશીલ મુદ્દો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી લોકસભા ચૂંટણી પૂર્વે વ્યાપાર મંત્રણા પૂર્ણ કરવાનું બંને દેશોનું આયોજન છે. બ્રિટન પર્યાવરણ જાળવણી અને લેબર અંગેના નવી દિલ્હીના ધોરણો સ્વીકારવા તૈયાર છે. મોદી અને સુનક આવતા મહિને નવી દિલ્હી ખાતે ગ્રૂપ ઓફ 20 સમિટમાં દ્વિપક્ષી વ્યાપારના મુદ્દા અંગે ચર્ચા કરી શકે છે. બ્રિટનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે વ્યાપાર મંત્રણામાં નોંધપાત્ર પ્રગતિ સધાઇ છે અને બંને દેશોનું ફોકસ હવે માલસામાન, સેવાઓ અને રોકાણો પર છે. વાટાઘાટો હજુ જારી હોવાથી આ અંગે વધુ કંઇ કહી શકાય તેમ નથી. બંને દેશો ગયા વર્ષે સમયમર્યાદા ચૂકી ગયા પછી મંત્રણા પૂર્ણ કરવાની તારીખ નક્કી કરવા અંગે અનિચ્છા ધરાવતા હોવા છતાં વાટાઘાટો સારી રીતે આગળ વધી રહી છે.
યુકેના નવા વિઝા નિયમોના કારણે ભારતીય વિદ્યાર્થીઓને અસરઃ એસ.જયશંકર
લંડનઃ ભારતીય સંસદના નીચલા ગૃહ લોકસભામાં એક સવાલનો ઉત્તર આપતાં વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું કે, યુકે દ્વારા અમલી બનાવાયેલા નવા વિઝા નિયમોના કારણે ભારત સહિત વિશ્વના તમામ દેશોના વિદ્યાર્થીઓ પર અસર પડશે. 17 જુલાઇ 2023ના રોજ યુકે સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા વિઝા નિયમો અંતર્ગત અભ્યાસ પૂરો ન થાય ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ નોકરી મેળવવાનો પ્રયાસ કરી શકશે નહીં. 2022માં 1,39,539 ભારતીય વિદ્યાર્થી યુકેમાં અભ્યાસ અર્થે ગયાં છે. 1 જાન્યુઆરી 2024થી અમલી બની રહેલા આ નવા નિયમોના કારણે રિસર્ચ પ્રોગ્રામ સિવાયના કોઇપણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તેમના આશ્રિતોને યુકેમાં બોલાવી શકશે નહીં. ભારત સરકાર આ મામલાઓ પર બ્રિટિશ સરકાર સાથે મળીને કામ કરી રહી છે.


