લંડનઃ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં છેલ્લા એક વર્ષમાં જન્મેલા બાળકોની સંખ્યા છેલ્લા બે દાયકાની સૌથી નીચી સપાટી પર આવી ગઇ છે. જ્યારે વિદેશમાં જન્મેલા માતાપિતાને ત્યાં જન્મેલા બાળકોની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં જન્મેલા કુલ બાળકોમાં 23.1 ટકા બાળકો વિદેશોમાં જન્મેલા માતાપિતાને ત્યાં જન્મયા હતા. આ સંખ્યા 2008માં 16.7 ટકા અને 2022માં 21.5 ટકા હતી.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર મૂળ બ્રિટિશ વાલીઓને ત્યાં જન્મેલા બાળકોની સંખ્યા 62 ટકાથી ઘટીને 60.3 ટકા પર આવી ગઇ હતી. બ્રિટિશ વાલીઓને ત્યાં જન્મેલા બાળકોની સંખ્યા 6,05,479 રહી હતી જે 2002 પછીનો સૌથી નીચો આંકડો છે. જેની સામે વિદેશોમાં જન્મેલા માતાપિતાને ત્યાં જન્મેલા બાળકોની સંખ્યા 1,39,953 રહી હતી જે 2017 પછીનો સૌથી વધુ આંકડો છે.
વિદેશોમાં જન્મેલા માતાપિતાઓમાં ભારતીય માતાપિતાએ બાળકના જન્મના મામલામાં રોમાનિયા અને પાકિસ્તાનમાં જન્મેલા માતાપિતાને પાછળ છોડી દીધાં છે.


