લંડનઃ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને જણાવ્યું છે કે બ્રિટિશ ઇમિગ્રેશન સિસ્ટમ સાથે છેતરપિંડી કરવામાં રાજ્યાશ્રય માગનારાઓની મદદ કરનાર વકીલોને જેલ ભેગા કરી દેવા જોઇએ. જેમણે પણ ગેરકાયેસર ઇમિગ્રન્ટ્સ વતી ખોટા રાજ્યાશ્રય અને માનવ અધિકાર દાવા કર્યા છે તેમનું સ્થાન જેલમાં છે. સરકારનું આકરું વલણ અપરાધીઓ અને દલાલોને સિસ્ટમ સાથે છેતરપિંડી કરતા અટકાવશે.
બ્રેવરમેને જણાવ્યું હતું કે, હાલના કાયદા ઇમિગ્રન્ટ્સને ગેરકાયદેસર સહાય કરનારાને આજીવન કેદની સજાની જોગવાઇ ધરાવે છે. ઇમિગ્રેશન કાયદાનું ઉલ્લંઘન કરીને રાજ્યાશ્રય માગનારાની જાણીજોઇને મદ કરનારા સામે ઇમિગ્રેશન એક્ટ 1971 અંતર્ગત ખટલો ચલાવી શકાય છે. બ્રિટિશ ઇમિગ્રેશન સિસ્ટમનો ગેરલાભ લેવા માટે માઇગ્રન્ટ્સને જુઠ્ઠાણાનો સહારો સલાહ આપનારા કથિત ઇમિગ્રેશન વકીલો ઉઘાડા પડી ગયાં છે. તેઓ બ્રિટિશ જનતા સાથે છેતરપિંડી કરી રહ્યાં છે.
વડાપ્રધાન રિશી સુનાકે ઇંગ્લિશ ચેનલ ગેરકાયદેસર રીતે પાર કરવા અંગે અપરાધીઓ દ્વારા કરાતી માહિતીની આપ-લે સહિતના ઓનલાઇન કન્ટેન્ટના આધારે કાર્યવાહી ઝડપી બનાવવા યુકે સરકારે અને સોશિયલ મીડિયા કંપનીઓ વચ્ચે સ્વૈચ્છિક ભાગીદારી કરાઇ હોવાની જાહેરાત કરી હતી. સુનાકે જણાવ્યું હતું કે, આ પગલાંની મદદથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઇને ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતી નાની હોડીઓને અટકાવવામાં મદદ મળી રહેશે. માનવ તસ્કરો દ્વારા ઇંગ્લિશ ચેનલ પાર કરાવવા માટે સોશિયલ મીડિયા પર ડિસ્કાઉન્ટ ઓફર, બાળકોને વિનામૂલ્યે પ્રવાસ, ખોટા દસ્તાવેજો તૈયાર કરી આપવાની ઓફર સહિતની લાલચો અપાતી હોય છે. તેઓ આ રીતે લોકોના જીવનો જોખમમાં મૂકીને નફો રળતા હોય છે. તેથી તેમના બિઝનેસ મોડેલને ધ્વસ્ત કરવા અને નાની હોડીઓ અટકાવવા માટે સોશિયલ મીડિયા કંપનીઓની મદદ લેવામાં આવી રહી છે.


