લંડનઃ બ્રિટિશ મ્યુઝિયમમાંથી ઇ.સ.પૂર્વે 1500ના મનાતા સોનાના ઝવેરાત અને કિંમતી પથ્થરો ચોરાઇ ગયાં છે અને મ્યુઝિયમના કર્મચારી દ્વારા જ આ કૃત્ય કરાયું હોવાની સંભાવના છે. કાચની બનેલી વસ્તુઓ સહિત બદલી ન શકાય તેવી કિંમતી વસ્તુઓ વોલ્ટમાંથી ગાયબ થઇ હોવાનું જાણવા મળ્યા બાદ મ્યુઝિયમે એક કર્મચારીને નોકરીમાંથી હાંકી કાઢ્યો હતો. વોલ્ટમાં રહેલી અન્ય કિંમતી વસ્તુઓને પણ નુકસાન થયું છે. મ્યુઝિયમમાંથી ચોરાયેલી કિંમતી વસ્તુઓ દેશ બહાર પગ કરી જાય તે પહેલાં શોધી કાઢવા ડિટેક્ટિવો એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.
આ કારસ્તાન 2019થી ચાલી રહ્યું હોવાનું મનાય છે. આટલા વર્ષોમાં ઇ.સ.પૂર્વે 15મી સદીથી 19મી સદી સુધીની સંગ્રહ કરાયેલી કિંમતી વસ્તુઓ ચોરાઇ હોવાની સંભાવના છે. કોરોના મહામારી દરમિયાન બ્રિટિશ મ્યુઝિયમ 163 દિવસ સુધી જાહેર જનતા માટે બંધ રખાયું તે દરમિયાન આ ચોરી થઇ હતી. જોકે કેટલી વસ્તુઓ ચોરાઇ છે તેની જાણકારી આપવાનો મ્યુઝિયમે ઇનકાર કરી દીધો છે.
બ્રિટિશ મ્યુઝિયમમાંથી ચોરાયેલી વસ્તુઓ ઇ-બે પર વેચાતી હોવાનો દાવો
લંડનઃ બ્રિટિશ મ્યુઝિયમમાંથી ચોરાયેલી અંદાજિત 50,000 પાઉન્ડની કિંમતી વસ્તુઓ ઇ-બે પર ફક્ત 40 ડોલરમાં વેચાઇ રહી હોવાનો દાવો કરાયો છે. 2016થી આ વસ્ચુઓ ઓનલાઇન ઓક્શન સાઇટ પર મૂકવામાં આવી રહી છે અને પૌરાણિક વસ્તુઓના નિષ્ણાતોએ 3 વર્ષ પહેલાં જ મ્યુઝિયમને ચેતવણી આપી હતી કે મ્યુઝિયમનો જ કોઇ કર્મચારી વોલ્ટમાંથી કિંમતી વસ્તુઓ ચોરી રહ્યો છે. ચોરીની માહિતી બહાર આવ્યા બાદ મ્યુઝિયમે 56 વર્ષીય ક્યુરેટર પીટર હિગ્સને નોકરીમાંથી હાંકી કાઢ્યા છે.


