લંડનઃ નોર્થ વેસ્ટ લંડનમાં ઐતિહાસિક ભારતીય રેસ્ટોરન્ટને ધરાશાયી કરી તેના સ્થાને ફ્લેટ બનાવવાની યોજના સામે સેંકડો સ્થાનિકોના વિરોધનો વિજય થયો છે. સ્થાનિક લોકોનું માનવું છે કે રેસ્ટોરન્ટ તોડીને અહીં ફ્લેટના નિર્માણથી કોઇ હેતૂ સરવાનો નથી. નોર્થ વેસ્ટ લંડનના વોટફોર્ડ રોડ પર મુંબઇ જંકશન ખાતે આવેલા બે માળના ભારતીય રેસ્ટોરનટને ધરાશાયી કરવાની યોજના પ્રોપર્ટી ડેવલપર્સ દ્વારા તૈયાર કરાઇ હતી. અહીં તેઓ પાંચ માળની ઇમારત તૈયાર કરવા માગતા હતા.
સ્થાનિક સાંસદ, કાઉન્સિલરો અને રહેવાસીઓના ઉગ્ર વિરોધ છતાં બ્રેન્ટ કાઉન્સિલના અધિકારીઓએ આ યોજનાને લીલી ઝંડી આપવાની ભલામણ કરી હતી. સેંકડો લોકોએ આ યોજનાના વિરોધમાં આવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ ઇમારતનું ઐતિહાસિક મૂલ્ય છે અને અહીં ઊંચી ઇમારતના નિર્માણના કારણે આ વિસ્તાર પર પણ અસર પડશે. વર્ષોથી આ વિસ્તારમાં કાર્યરત આ રેસ્ટોરન્ટ હંમેશ માટે નાશ પામશે. આ સ્થળ સ્થાનિકો માટે મુલાકાતનું સ્થળ છે.


