લંડનઃ ભારત અને યુકેએ ગ્લોબલ ઇનોવેશન પાર્ટનરશિપને કાર્યરત કરવાની તૈયારી કરી લીધી છે. આ પાર્ટનરશિપ અંતર્ગત ભારત અને યુકે સાથે મળીને ત્રીજા દેશોમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર કામ કરશે. બંને દેશ આ ભાગીદારી અંતર્ગત ક્લાઇમેટ સ્માર્ટ ઇનોવેશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ માટે આગામી વર્ષ સુધીમાં પ્રાથમિકતા આપવા જેવા દેશો અને સેક્ટરની યાદી તૈયાર કરી લેવાશે. આ ભાગીદારી અંતર્ગત ભારત અને યુકે વચ્ચે શ્રીલંકામાં પાવર અને એનર્જી સેક્ટરમાં સહકાર કરવા પર મંત્રણા શરૂ થઇ ચૂકી છે.
નવી દિલ્હી ખાતેના બ્રિટિશ હાઇ કમિશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વિકાસશીલ દેશોમાં વિકાસ કાર્યોને ઝડપી બનાવવા ભારત અને યુકેએ નવું સાહસ કરવા નિર્ણય કર્યો છે. ગ્લોબલ ઇનોવેશન પાર્ટનરશિપ અંતર્ગત બંને દેશ સાથે મળીને વિકાસશીલ દેશોમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર કામ કરશે. આ ભાગીદારી હાલ પ્રારંભિક તબક્કામાં છે પરંતુ તે ઝડપથી આગળ વધશે. આફ્રિકા, દક્ષિણ એશિયા અને ઇન્ડો-પેસિફિક દેશોમાં ક્લાઇમેટ ઇનોવેશન્સ ટ્રાન્સફર કરાશે.
હાલ શ્રીલંકા મોટી એનર્જી કટોકટીમાંથી પસાર થઇ રહ્યો છે. ભારતે શ્રીલંકામાં તાજેતરમાં સંખ્યાબંધ એનર્જી પ્રોજેક્ટ શરૂ કર્યાં છે. જેમાં મલ્ટી પ્રોડક્ટ પેટ્રોલિયમ પાઇપલાઇન, પાવર ગ્રીડનું જોડાણ સહિતના એનર્જી પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.


