ભારત-કેનેડા વિવાદમાં યુકે કેનેડાની પડખે, કહ્યું ભારત વિયેના કરારનું પાલન કરે

ખાલિસ્તાની નિજ્જરની હત્યાની તપાસમાં ભારત કેનેડાને સહકાર આપેઃ બ્રિટન

Tuesday 24th October 2023 12:24 EDT
 
 

લંડનઃ રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવાના મામલે ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં યુકે સરકારે કેનેડાને સમર્થન આપતાં ભારત પર રાજદ્વારી સંબંધો પરના વિયેના કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે. અમેરિકાએ પણ કેનેડાનો સાથ આપ્યો છે અને ચિંતા વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા મામલે ભારત અને કેનેડા વચ્ચે સર્જાયેલા વિવાદ બાદ ભારતે કેનેડાને રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવાની ચેતવણી આપી હતી જેના પગલે કેનેડાએ 41 રાજદ્વારીઓને ભારતમાંથી પાછા બોલાવી લીધાં હતાં.

યુકેની સરકારે જણાવ્યું હતું કે, વિવાદોના ઉકેલ માટે એકબીજા વચ્ચે વાતચીત અને એકબીજાના દેશોમાં રાજદ્વારીઓ હોવા જરૂરી છે. અમે ભારત સરકારના નિર્ણયો સાથે સહમત નથી કારણ કે તેના પગલે મોટી સંખ્યામાં કેનેડિયન રાજદ્વારીઓએ ભારત છોડવો પડ્યો છે. બ્રિટને જણાવ્યું હતું કે, દરેક દેશો એ રાજદ્વારી સંબંધઓ પરના વિયેના કરાર અંતર્ગતની જવાબદારીઓનું પાલન કરવું જોઇએ. રાજદ્વારીઓને અપાતી સુરક્ષા અને વિશેષાધિકાર પાછા ખેંચી લેવાના નિર્ણય વિયેના કરારના સિદ્ધાંતોનું પાલન કરતાં નથી.

યુકેના સૂરમાં સૂર મિલાવતા અમેરિકાના વિદેશ વિભાગે પણ જણાવ્યું હતું કે, ભારતમાંથી કેનેડિયન રાજદ્વારીઓની વિદાયથી અમે પણ ચિંતિત છીએ. કોઇપણ પ્રકારના વિવાદ માટે રાજદ્વારીઓની હાજરી અત્યંત મહત્વની છે. ભારત સરકારે કેનેડાની રાજદ્વારી હાજરી ઘટાડવા પર ભાર મૂકવો જોઇએ નહીં અને હાલમાં ચાલી રહેલી કેનેડાની તપાસમાં સહકાર આપવો જોઇએ. અમે આશા રાખીએ છીએ કે ભારત સરકાર રાજદ્વારી સંબંધો પરના વિયેના કરારની જવાબદારીઓનું પાલન કરશે.

બ્રિટને જણાવ્યું હતું કે, અમે નિજ્જરની હત્યામાં ચાલી રહેલી તપાસમા કેનેડાને સહકાર આપવા ભારતને પ્રોત્સાહિત કરીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter