લંડનઃ ઓક્ટોબરના અંત સુધીમાં ભારત સાથેના મુક્ત વેપાર કરારને મૂર્તિમંત કરવાની વડાપ્રધાન રિશી સુનાકની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. બ્રિટિશ કાયદા અને એકાઉન્ટ્ન્સી કંપનીઓ માટે ભારતીય બજારના દ્વાર ખોલવા મુદ્દે અવરોધ સર્જાયો છે. એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે વડાપ્રધાન રિશી સુનાક ઓક્ટોબરના અંત સુધીમાં ભારતની મુલાકાતે જશે અને વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપશે પરંતુ બ્રિટિશ અધિકારીઓના જણાવ્યા અનુસાર રિશી સુનાક હવે ભારતની મુલાકાતે જાય તેવી સંભાવનાઓ ઘણી ઓછી છે.
એક બ્રિટિશ અધિકારીએ જણાવ્યું હતું કે, વેપાર કરાર પરની મંત્રણાઓ અમારી ઇચ્છા પ્રમાણે આગળ વધી રહી નથી. ગૂડ્સ અને સર્વિસ મામલામાં વેપારના પ્રશ્ને પણ કોકડું ગુંચવાયું છે. બ્રિટન ભારત પાસે વધુ છૂટછાટો અને શરતોની માગ કરી રહ્યો છે. વડાપ્રધાન સુનાકે જણાવ્યું છે કે અમે લવાદી સમયમર્યાદામાં વેપાર કરાર પર હસ્તાક્ષર કરવાના નથી. વડાપ્રધાન દેશ માટે સાચી દિશામાં કામ કરી રહ્યાં છે.
એક વરિષ્ઠ બ્રિટિશ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતને શેની જરૂર છે અને તેની ઇચ્છા શું છે તેના વચ્ચે તફાવત કરવામાં ભારત સરકારના અધિકારીઓ સંઘર્ષ કરી રહ્યાં છે. તેમણે ચેતવણી આપી હતી કે તમે શું ઇચ્છો છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને કડક વલણ અપનાવો તો તમારે તમારી જરૂરીયાતનો ભોગ આપવો પડે છે અને તેનાથી કશો લાભ થતો નથી.


