ભારત સાથેના વેપાર કરાર મામલે રિશી સુનાક કોઇ ઉતાવળ કરવા માગતા નથી

આગામી સંસદની ચૂંટણી પહેલાં વેપાર કરાર પર હસ્તાક્ષર અશક્યઃ સૂત્રો

Tuesday 05th September 2023 11:48 EDT
 
 

લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે ભારત સાથેનો વેપાર કરાર ઉતાવળે હાથ ધરવાનો ઇનકાર કરી દીધો છે. જેના પગલે આ સપ્તાહમાં નવી દિલ્હી ખાતે યોજાનારી જી-20 સમિટમાં કરાર પર કોઇ મોટી જાહેરાત કરાય તેવી કોઇ સંભાવના દેખાઇ રહી નથી. સૂત્રો તો એમ પણ કહી રહ્યાં છે કે આગામી વર્ષે સંસદની ચૂંટણી સુધીમાં પણ આ કરાર પર હસ્તાક્ષર થાય તેવી સંભાવના નથી. વિવિધ સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન સુનાક આ મામલે કોઇ ઉતાવળ કરવા માગતા નથી. ઘણાનું એવું પણ માનવું છે કે 2024માં બંને દેશોમાં સંસદની ચૂંટણીઓ યોજાય તે પહેલાં કરાર પર હસ્તાક્ષર અશક્ય છે.

યુકે સરકારના એક સૂત્રે જણાવ્યું હતું કે, વડાપ્રધાન રિશી સુનાક અને ટ્રેડ સેક્રેટરી કેમી બેડનોક ભારત સાથેના વેપાર કરાર મામલે કોઇ ઉતાવળ કરવા માગતા નથી તેથી તેમણે આ વેપાર કરાર માટે કોઇ ડેડલાઇન નક્કી કરી નથી. કોફેડરેશન ઓફ બ્રિટિશ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ લોર્ડ કિરણ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, ભારત ઘણો મોટો દેશ છે પરંતુ હાલ તો વેપાર કરાર પર મંત્રણાઓ ચાલી રહી છે તેમ છતાં એવા ઘણા મુદ્દા છે જેના પર હજુ સહમતિ સાધી શકાઇ નથી. ભારત બ્રિટનનો 12મા ક્રમનો વેપાર ભાગીદાર દેશ છે. ભારતની ભુમિકા મોટી હોવી જોઇએ.

મંત્રણામાં સામેલ સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સ્કોચ વ્હિસ્કી અને કારો પર જકાત ઘટાડવા તો યુકે ટેક્સટાઇલ્સ અને અન્ય ઉત્પાદનો પર જકાત ઘટાડવા સહમત થયાં છે. આ સપ્તાહમાં મર્યાદિત વેપાર કરાર પર હસ્તાક્ષરની સંભાવનાઓને સુનાક અને બેડનોકે નકારી કાઢી છે. તેઓ માને છે કે તેનાથી વ્યાપક વેપાર કરાર અશક્ય બની જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter