ભારત સાથેના વેપાર કરારમાં સુનાકના હિતોના ટકરાવનો નવો વિવાદ સપાટી પર

રિશી સુનાક 9-10 સપ્ટેમ્બર દિલ્હી ખાતે જી-20 સમિટમાં હાજરી આપશે, વેપાર કરારની મંત્રણાઓથી સુનાક દૂર રહે તેવી બિઝનેસ-ટ્રેડ કમિટીની માગ

Tuesday 29th August 2023 11:52 EDT
 
 

લંડનઃ ભારતના અધ્યક્ષપદ હેઠળ નવી દિલ્હીમાં આગામી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ આયોજિત જી-20 શિખર સંમેલનમાં હાજરી આપવા યુકેના વડાપ્રધાન રિશી સુનાક રવાના થાય તે પહેલાં હિતોના ટકરાવનો એક નવો વિવાદ સપાટી પર આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સાથે હાલ મંત્રણા ચાલી રહી છે તે યુકે સાથેના મુક્ત વેપાર કરારથી રિશી સુનાકના પરિવારને પણ આર્થિક લાભો થઇ શકે છે. સાંસદો અને ટ્રેડ નિષ્ણાતોનું કહેવું છે કે ઇન્ફોસિસમાં રિશી સુનાકના પત્ની અક્ષતા મૂર્તિ 500 મિલિયન પાઉન્ડનું શેર હોલ્ડિંગ ધરાવે છે ત્યારે આ મામલે સરકારમાં ઉચ્ચ સ્તરે પારદર્શિતા પર ચિંતાઓ સેવાઇ રહી છે.

ઓલ પાર્ટી હાઉસ ઓફ કોમન્સ બિઝનેસ એન્ડ ટ્રેડ સિલેક્ટ કમિટીના અધ્યક્ષ ડેરેન જોન્સે માગ કરી છે કે રિશી સુનાક તેમની પત્નીના આર્થિક હિતોના મુદ્દે વધુ પારદર્શક બને કારણ કે ભારત અને યુકે વચ્ચેના કોઇપણ કરારમાં ઇન્ફોસિસ મહત્વની લાભાર્થી કંપની બની રહેશે. એક અગ્રણી નિષ્ણાતે તો એટલે સુધી કહ્યું છે કે રિશી સુનાકે વેપાર કરારની કોઇપણ મંત્રણાથી પોતાને દૂર રાખવા જોઇએ. જોન્સે જણાવ્યું હતું કે, વડાપ્રધાને તેમના કોઇપણ હિતોને યોગ્ય રીતે જાહેર કરવા જોઇએ. તેમણે ભારત સાથેના વેપાર કરારના સંદર્ભમાં પણ પોતાના હિતો જાહેર કરવા જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન સુનાક સપ્ટેમ્બરમાં નવી દિલ્હી ખાતે જી-20 સમિટમાં હાજરી આપશે. સમિટની સાથે સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની દ્વિપક્ષીય મુલાકાતમાં ભારત અને યુકે વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પર ચર્ચા થવાની સંભાવના છે.

રિશી સુનાક યુએન જનરલ એસેમ્બ્લીમાં હાજરી નહીં આપે

બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં હાજરી નહીં આપે તેથી તેમની આકરી ટીકા કરવામાં આવી રહી છે. છેલ્લા એક દાયકામાં યુએન જનરલ એસેમ્બ્લીમાં હાજરી ન આપનારા સુનાક યુકેના પ્રથમ વડાપ્રધાન બની રહેશે. આગામી મહિને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક સામાન્ય સભામાં બ્રિટિશ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓલિવર ડાઉડેન અને ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવરલી કરવાના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter