લંડનઃ 15મી ઓગસ્ટના રોજ ભારતના સ્વતંત્રતા દિવસની સત્તાવાર ઉજવણી અગાઉ લંડનમાં ભારતીય વિદ્યા ભવન ખાતે બુધવારે સાંજે આયોજિત આઝાદી પર્વની ઉજવણી પ્રસંગે યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, ભારત વિશ્વની સૌથી સુસંગત અને વાદશીલ લોકશાહીઓ પૈકીની એક લોકશાહી છે જ્યાં સંસ્થાનો આક્રમકતાથી પોતાની સ્વતંત્રતાનું રક્ષણ કરે છે.
દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, અનેક જટિલતાઓ અને પડકારો છતાં ભારત એક સુસંબદ્ધ અને કાર્યશીલ લોકશાહી છે. ભારત અત્યાર સુધી એકજૂથ રહ્યો છે કારણ કે તે એક લોકશાહી દેશ છે. તેના સંસ્થાનો સ્વતંત્ર છે. ભારત ફક્ત ચૂંટણીલક્ષી લોકશાહી નથી પરંતુ તેના સંસ્થાનો આક્રમકતાથી પોતાની સ્વતંત્રતા જાળવે છે.
તેમણે જણાવ્યું હતું કે, ભારત એક એવો દેશ છે જેને વાદવિવાદ પસંદ છે. કદાચને ભારત વિશ્વની સૌથી વધુ વાદવિવાદ કરતી લોકશાહી છે. વાદવિવાદ એક સારી બાબત છે કારણ કે દલીલ વિના ભારત લોકશાહી દેશ રહી શક્યો ન હોત.
યુકેના ભારતીય હાઇ કમિશન ખાતે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે અને 26 ઓગસ્ટના રોજ વેસ્ટ લંડનમાં આવેલા નવનાત સેન્ટર ખાતે કોમ્યુનિટી સેલિબ્રેશનનું આયોજન કરાયું છે.


