હેરોઃસાંસ્કૃતિક ગૌરવથી છલકાતા 15 મેના ઐતિહાસિક સમારંભમાં કાઉન્સિલર અંજના પટેલની હેરોના 73મા મેયર તરીકે સત્તાવાર નિયુક્તિ કરવામાં આવી હતી. તેઓ યુકેના પ્રથમ બ્રિટિશ ટાન્ઝાનિયન-ભારતીય મૂળના મેયર છે. કોન્સોર્ટ ટુ ધ મેયર તરીકે રૂપેશ પટેલની તેમજ તેમના ચેપ્લિન તરીકે હિન્દુ થીઓલોજીના વિદ્વાન તિલક પારેખની નિયુક્તિ કરાઈ હતી. મેયર અંજના પટેલે આ વર્ષ માટેનો મુદ્રાલેખ દયા- કાળજી અને આદર અપનાવ્યો છે. તેઓ બરોમાં એકતા અને આનંદ માટે પ્રતિબદ્ધ છે. આ વર્ષે તેમની પસંદગીની ચેરિટી આલ્કોહોલ અને ડ્રગ્સના બંધાણીઓ માટે કામ કરતી VIA તેમજ કટોકટીના સમયે સંવેદનાત્મક સપોર્ટ આપતી ચેરિટી Samaritans છે.
કાઉન્સિલર અંજના પટેલનો જન્મ દારે સલામમાં થયો હતો અને 1975માં સ્થળાંતર કરી યુકે આવ્યાં હતાં. તેઓ વર્ષ 2000માં હેરોમાં સ્થાયી થયાં હતાં. તેઓ 2002માં પ્રથમવાર વેસ્ટ હેરો વોર્ડમાંથી કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. તેઓ ગત 15 વર્ષથી બેલમોન્ટનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. તેમણે 2006 - 2010 ના ગાળામાં કેબિનેટ મેમ્બર ફોર કોમ્યુનિટી એન્ડ કલ્ચર તેમજ સ્કૂલ્સ એન્ડ ચિલ્ડ્રન્સ ડેવલપમેન્ટ તરીકે સેવા આપી હતી. તેઓ 2022માં કેબિનેટ મેમ્બર ફોર એન્વિરોન્મેન્ટ એન્ડ કોમ્યુનિટી સેફ્ટી તરીકે અને તે પછી ડેપ્યુટી મેયર બન્યાં હતાં.
તેમણે 2006 - 2010 ના ગાળામાં લંડન કાઉન્સિલમાં ઈક્વલિટીઝ એન્ડ ડાઈવર્સિટીના અગ્રણી સભ્ય તરીકે પણ સેવા આપી હતી. તેમણે 2007માં મહિલાઓ, યુવા લોકો અને વંશીય લઘુમતીના લોકોને કાઉન્સિલર બનવા પ્રોત્સાહન આપવા ‘બી એ કાઉન્સિલર’ કેમ્પેઈન પણ ચલાવી હતી. તેઓ આર્ટ કાઉન્સિલ લંડન રીજિયન, હેરો ખાતે Harrow MENCAP, MINDના બોર્ડ મેમ્બર પણ રહ્યાં છે. તેઓ નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી એસોસિયેશન્સ, સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે, એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ સહિત અનેક સંસ્થામાં એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે સેવા આપી રહ્યાં છે. તેઓ 16 વર્ષ સુધી વિવિધ સ્કૂલ્સ અને કોલેજીસના ગવર્નર રહેલાં છે.
મેયર અંજના પટેલે જણાવ્યું હતું કે, હેરોના મેયરપદે નિયુક્તિ સન્માન અને ગૌરવની વાત છે. ડેપ્યુટી મેયર તરીકે હું બરોના ઘણા લોકો સાથે મુલાકાત કરતી હતી. મને હેરોની સેવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આ વર્ષે આપણે ડાયમંડ જ્યુબિલી ઉજવવા જઇ રહ્યાં છીએ. હું ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસાના 60 વર્ષની ઉજવણીની તૈયારી કરી રહી છું.
હેરોની વસ્તી 260,000 લોકોથી પણ વધુ છે અને ત્યાંની શેરીઓમાં 160 ભાષા બોલાતી સાંભળવા મળે છે. ઈંગ્લિશ પછી સૌથી વધુ બોલાતી ભાષા ગુજરાતી છે. હેરોમાં વિવિધતા માત્ર ઉજવણીની બાબત નથી. એ તો તેની ઓળખમાં વણાઈ ગઈ છે.
મેયર લંડન બરો ઓફ હેરોના પ્રથમ નાગરિક છે અને મેયરનો હોદ્દો બિનરાજકીય છે એટલે કે રાજકીય રીતે મેયર તટસ્થ છે. મેયર નાગરિક અને જાહેર સમારંભોમાં કાઉન્સિલનું પ્રતિનિધિત્વ કરે છે અને મેયરની ઉપસ્થિતિ ઈવેન્ટ્સનું મહત્ત્વ વધારે છે.
નવનિયુક્ત મેયર અંજના પટેલ સાથે પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ અને સંગત સેન્ટરના કાન્તિ નાગડા