લંડનઃ યુકેના સ્ટુડન્ટ વિઝા પર માન્ચેસ્ટર પહોંચેલા ભારતીય વિદ્યાર્થી સામે બોર્ડર ફોર્સના અધિકારીઓ દ્વારા લેવાયેલા પગલાને લંડન હાઇકોર્ટે ગેરકાયદેસર ઠેરવતા તેનો મોટો વિજય થયો હતો. જજ ડાઇટે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે, યુકે બોર્ડર ફોર્સના અધિકારીઓ દ્વારા અપનાવાયેલી પ્રક્રિયા અન્યાયી અને ગેરકાયદેસર હતી. વિદ્યાર્થીએ સોલિસિટર ઉપલબ્ધ કરાવવા કરેલી માગને અધિકારીઓએ ખોટી રીતે નકારી કાઢી હતી.
21 વર્ષીય મનીષ કુમારને યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝા પ્રાપ્ત થયો હતો. 30 ઓગસ્ટ 2022ના રોજ તે માન્ચેસ્ટર એરપોર્ટ ખાતે ઉતર્યો ત્યારે તેના જવાબોથી ઇમિગ્રેશન અધિકારીને સંતોષ થયો નહોતો. મનીષકુમાર ઇમિગ્રેશન અધિકારીને એ જણાવવામાં નિષ્ફળ રહ્યો હતો કે તે યુકેમાં કયા સ્થળે રહેવાનો છે અને કેવી રીતે તેની આર્થિક જરૂરીયાત પૂરી કરશે. ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા તેને 6 કલાક અટકાયતમાં રખાયો હતો.
રસપ્રદ રીતે આવા જ એક અન્ય પ્રવાસીને ઇન્ટર્વ્યુની સુવિધા અપાઇ હતી પરંતુ મનીષને આવી કોઇ તક આપવાનો ઇનકાર કરાયો હતો જેના આધારે મનીષના સોલિસિટરે હાઇકોર્ટમાં ધા નાખી હતી.


