લંડનઃ સુનાક સરકારની માઇગ્રન્ટ્સને બાર્જમાં રાખવાની યોજનાને પ્રથમ ગ્રાસે જ મક્ષિકા નડી છે. અગાઉ બાર્જમાં સુરક્ષાના કારણોસર માઇગ્રન્ટ્સને વસાવવાની યોજનામાં વિલંબ થયા બાદ હવે ઓન બોર્ડ વોટર સિસ્ટમમાં લિજિયોનેલા બેક્ટેરિયા મળી આવતાં બાર્જ ખાલી કરાવવાની ફરજ પડી છે. આ બેક્ટેરિયા ન્યુમોનિયાનો રોગચાળો ફેલાવી શકે છે. હોમ ઓફિસે જણાવ્યું હતું કે, ડોરસેટમાં આવેલા બીબી સ્ટોકહોમ બાર્જ પર રખાયેલા તમામ 39 માઇગ્રન્ટ્સને સલામત સ્થળે ખસેડી લેવાયાં છે. તેમને એક નવી હોટલમાં ખસેડાયાં છે. તેમને જણાવવામાં આવ્યું છે કે એક સપ્તાહ બાદ તેમને ફરી બાર્જમાં ખસેડાશે.
બોક્સ
ઇંગ્લિશ ચેનલમાં બોટ ઊંધી વળતાં 6નાં મોત, 50 માઇગ્રન્ટ્સને બચાવી લેવાયાં
લંડનઃ શનિવારે વહેલી સવારે ઇંગ્લિશ ચેનલમાં માઇગ્રન્ટ્સથી ભરેલી એક નાની બોટ ઉથલી પડતાં 6નાં મોત થયાં હતાં અને અન્ય 50 માઇગ્રન્ટ્સને બચાવી લેવામાં સફળતા મળી હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. શનિવારે વહેલી સવારે 4 કલાકે ફ્રાન્સથી પાંચ માઇલ દૂર ઇંગ્લિશ ચેનલમાં ખરાબ હવામાનના કારણે આ નાની બોટ મુશ્કેલીમાં આવી રડી હતી. એક લાઇફબોટ અને એક ફિશિંગ વેસલ દ્વારા ડૂબી રહેલા માઇગ્રન્ટ્સને બચાવી લેવાયાં હતાં.
2018થી ઇંગ્લિશ ચેનલ પાર કરી યુકે પહોંચનારા માઇગ્રન્ટ્સની સંખ્યા 1 લાખને પાર
લંડનઃ હોમ ઓફિસે જણાવ્યા અનુસાર વર્ષ 2018થી અત્યાર સુધીમાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને 1 લાખથી વધુ વિદેશી નાગરિકો યુકેમાં પ્રવેશ્યા છે. વર્ષ 2023માં 10 ઓગસ્ટના રોજ સૌથી વધુ 755 વિદેશી નાગરિકો ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે પહોંચ્યા હતા. ગુરુવારે ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતી 14 બોટ નોંધાઇ હતી. અગાઉ 7મી જુલાઇએ 686 માઇગ્રન્ટ્સ યુકે પહોંચ્યા હતા. 2023માં અત્યાર સુધીમાં 15826 માઇગ્રન્ટ્સ યુકે આવ્યા છે. વર્ષ 2022માં આ આંકડો 45755 હતો. 2018થી અત્યાર સુધીમાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે આવેલા માઇગ્રન્ટ્સની કુલ સંખ્યા 1,00,715 પર પહોંચી છે.


