લંડનઃ શનિવારે સતત ત્રીજીવાર લંડનમાં મિડલ ઇસ્ટ દેખાવકારોના સમર્થકોએ લંડનને સ્થગિત કરી દીધું હતું.
પોલીસ અધિકારીઓની હાજરી છતાં દેખાવકારોએ યહૂદીઓનો નરસંહાર કરવાના નારા સાથે મૃત બાળકોના પૂતળાં પ્રદર્શિત કર્યાં હતાં અનને પેલેસ્ટાઇનની રચના માટે વૈશ્વિક અભિયાન (ઇન્તેફાડા)ની માગ કરી હતી. આ દેખાવોના પગલે 9 વ્યક્તિની ધરપકડ કરી હતી અને તેમના પર હેટ ક્રાઇમના આરોપ મૂકાયાં હતાં.
દેખાવોમાં સામેલ એક મહિલા યહૂદીઓના નરસંહારની માગ કરી રહી હતી તેવો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયા બાદ દેખાવકારો સામે આક્રોશ પ્રવર્તી રહ્યો હતો. પોલીસે આ મહિલાની ઓળખ આપવા અપીલ કરી છે. કેટલાક લોકો આ દેખાવોમાં કોફિન સાથે જોડાયાં હતાં. સોશિયાલિસ્ટ વર્કર્સ પાર્ટીના કાર્યકરોએ લંડનથી ગાઝા સુધી ઇન્તેફાડાના વૈશ્વિકરણના નારા લગાવ્યા હતા.
આ પ્રકારની આઘાતજનક ઘટનાઓને પગલે કેમ્પેન અગેન્સ્ટ એન્ટીસેમિટિઝમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, લંડનવાસીઓએ દર સપ્તાહાંતમાં આ પ્રકારના કટ્ટરવાદને સહન કરવો જોઇએ નહીં. લંડનની સડકો પર ફરી એકવાર સામુહિક રીતે અપરાધ આચરાતો જોઇ શકાયો હતો. લંડનના યહૂદીઓ સહિતના કાયદાનું પાલન કરનારા લંડનવાસીઓ આશા રાખે છે કે પોલીસ બ્રિટનના કાયદાઓનું પાલન કરે અને અમને સુરક્ષિત રાખે. તેમ છતાં પબ્લિક ઓર્ડર એક્ટની કલમ 12 અંતર્ગત પગલાં લેવાના બદલે મેટ્રોપોલિટન પોલીસે મર્યાદિત કાર્યવાહી કરી હતી જેના પગલે સેન્ટ્રલ લંડન નો ગો ઝોનમાં તબદિલ થઇ ગયું હતું. કટ્ટરવાદીઓ તેમની ભાષા પર કાબુ રાખતા નથી. બ્રિટનને સુરક્ષિત રાખવા સત્તાવાળાએ પગલાં લેવા જોઇએ.
ગાઝામાં ફસાયેલા 200 બ્રિટિશ નાગરિકોને બહાર કઢાશેઃ સુનાક
વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે ગાઝામાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને બહાર કાઢવા માટે યુકે બોર્ડર ફોર્સ અધિકારીઓને ઇજિપ્ત મોકલાશે. ગાઝામાં ફસાયેલા 200 જેટલા બ્રિટિશ નાગરિક ઇઝરાયેલનો જમીની હુમલો શરૂ થાય તે પહેલાં વિદેશ કચેરીના સંપર્કમાં છે. મેં બ્રિટિશ નાગરિકોને ગાઝા છોડવાની પરવાનગી આપવાના મહત્વ અંગે મેં ઇઝરાયેલ અને ઇજિપ્તના નેતાઓ સમક્ષ રજૂઆત કરી છે. સરકાર ગાઝામાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને મદદ કરવા તૈયાર અને જરૂરી તમામ મદદ પૂરી પાડવા તત્પર છે. જોકે વડાપ્રધાને સાવધાન કરતાં જણાવ્યું હતું કે, હાલની સ્થિતિ ઘણી જટિલ છે. અમે ગાઝા અને ઇજિપ્ત વચ્ચે આવેલા રફાહ ક્રોસિંગને ખુલ્લુ મૂકવા માટે રજૂઆત કરી રહ્યાં છીએ. હાલ રફાહ ક્રોસિંગ ખાતે ગાઝામાં માનવીય સહાયની ટ્રકોને જ પસાર થવાની પરવાનગી છે. બ્રિટિશ નાગરિકોની સહાય માટે ઇજિપ્તમાં યુકે બોર્ડર ફોર્સના અધિકારીઓને તહેનાત કરાયાં છે.
પેલેસ્ટાઇન સમર્થકોના દેખાવોને ધિક્કાર રેલી ગણાવતા બ્રેવરમેન
હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને દેશમાં યોજાતી પેલેસ્ટાઇન તરફી રેલીઓને ધિક્કારની રેલીઓ ગણાવતા જણાવ્યું હતું કે, ઇઝરાયેલના ગાઝા પરના હુમલાના વિરોધમાં કરાતા દેખાવોમાં મોટી સંખ્યામાં અપરાધીઓ સામેલ થઇ રહ્યાં છે જેઓ અપરાધિક મર્યાદાના ઓછાયા હેઠળ જાણીજોઇને કામ કરી રહ્યાં છે. 7મી ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ આપણી સડકો પર હજારો લોકો દેખાવો કરી રહ્યાં છે. યહૂદીઓના નરસંહાર બાદ લાખો લોકો સડકો પર ઉતરીને ઇઝરાયેલનું નામોનિશાન મિટાવી દેવાના નારા લગાવી રહ્યાં છે. આ પ્રકારની રેલીઓને ધિક્કાર રેલીઓ જ કહી શકાય.


