યુકેના ફેસબુક ફ્રેન્ડને કસ્ટમની ચુંગાલમાંથી બચાવવા ગુજરાતી મહિલાએ રૂ. 80 લાખ ગુમાવ્યા

આવી જ મોડસ ઓપરેન્ડીથી મહેસાણાના વૃદ્ધને યુકેની કથિત લેડી ફ્રેન્ડે રૂપિયા 75 લાખનો ચૂનો લગાવ્યો

Tuesday 08th August 2023 11:46 EDT
 

લંડનઃ ગુજરાતના બનાસકાંઠાના એક 52 વર્ષીય શિક્ષકને સાયબર છેતરપિંડીમાં રૂપિયા 80 લાખ જેટલી માતબર રકમ ગુમાવવી પડી છે. આ શિક્ષક તેના યુકે સ્થિત સાયબર ફ્રેન્ડ જેમ્સ ડાઉસનને મદદ કરી રહી હતી. સોશિયલ મીડિયા પર મિત્ર બનેલા જેમ્સ ડાઉસને આ મહિલા શિક્ષકને જણાવ્યું હતું કે, તે ભારત આવ્યો છે અને તેની પાસે હીરા ઝવેરાત અને અન્ય ગિફ્ટ હોવાના કારણે ભારતના કસ્ટમ સત્તાવાળાઓએ તેને રોકી રાખ્યો છે. તેથી તેને મદદ કરવા આ મહિલા શિક્ષકે જેમ્સ ડાઉસન નામની કથિત વ્યક્તિને વિવિધ ખાતાઓમાં નાણા ટ્રાન્સફર કર્યાં હતાં. જેથી તેને કસ્ટમ અને અન્ય એજન્સીઓ પાસેથી છોડાવી શકાય પરંતુ પોતાની સાથે ફ્રોડ થયું છે તે જાણ્યા બાદ આ મહિલા શિક્ષકે માનસિક સંતુલન ગુમાવી દીધું હતું અને હાલ તેની સારવાર ચાલી રહી છે. હકીકત એ છે કે જેમ્સ ડાઉસન નામની કોઇ વ્યક્તિને કસ્ટમ વિભાગે પકડી જ નહોતી અને આવી કોઇ વ્યક્તિ અસ્તિત્વ ધરાવતી જ નહોતી.

સાયબર નિષ્ણાતો કહે છે કે સોશિયલ મીડિયા પર ઘણા ફ્રોડ કરનારા પોતાને અમેરિકા અથવા તો યુકેના રહેવાસી ગણાવે છે. તેઓ ગ્રામીણ વિસ્તારની પ્રૌઢ મહિલાઓને પોતાનું નિશાન બનાવતા રહે છે. આ મહિલા શિક્ષકને પણ ફેસબુક પર જેમ્સ ડાઉસન નામની વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી. તેનો દીકરો હાલ યુકેમાં હોવાથી મહિલાએ આ રિક્વેસ્ટ સ્વીકારી હતી.

મહિલા કહે છે કે એક દિવસ અચાનક ડાઉસનનો કોલ આવ્યો અને મને જણાવ્યું કે તે ભારત આવ્યો છે પરંતુ મારી પાસે કિંમતી વસ્તુઓ હોવાના કારણે મને કસ્ટમ વિભાગે પકડી રાખ્યો છે. તેણે મને કસ્ટમ અધિકારી સાથે વાત કરવા અને જરૂરી નાણા ચૂકવવા અપીલ કરી હતી. પહેલા મેં કસ્ટમ વિભાગ અને પછી આરબીઆઇને નાણા ચૂકવ્યા હતા. તાજેતરમાં જ મને સંયુક્ત રાષ્ટ્રને નાણા ચૂકવવા કહેવામાં આવ્યુ હતું જેથી આ કેસ બંધ કરી શકાય. પોતાના મિત્રને મદદ કરવા માટે આ મહિલાએ મિત્રો પાસેથી નાણા ઉછીના લીધાં હતાં.

આવી જ એક ઘટના થોડા સમય પહેલાં ગુજરાતના મહેસાણામાં નોંધાઇ હતી જેમાં એક વૃદ્ધને યુકેની તેની સોશિયલ મીડિયા પરની લેડી ફ્રેન્ડે આવી જ રીતે પોતે ભારત આવી છે અને કસ્ટમ વિભાગે મને રોકી રાખી છે એમ જણાવી રૂપિયા 75 લાખનો ચૂનો લગાવ્યો હતો. પરિવારની ફરિયાદના આધારે ગુજરાત સીઆઇડી ક્રાઇમે દિલ્હીમાંથી એક નાઇજિરિયનની ધરપકડ કરી હતી. આ કિસ્સામાં પણ આવી કોઇ મહિલાનું અસ્તિત્વ નહોતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter