લંડનઃ ચેરિટી સંસ્થાઓના જણાવ્યા અનુસાર યુકેમાં 1,20,000 કરતાં વધુ બાળકો દારૂણ ગરીબીમાં જીવી રહ્યાં છે. ભૂખ સંતોષવા માટે તેમને ખોરાકની ચોરી કરવાની ફરજ પડી રહી છે.કામદારોના એક સરવેમાં જણાવવામાં આવ્યું છે કે ગયા વર્ષથી સ્થિતિ વધુ બદતર બની છે. બાળકો અને યુવાઓમાં નિરાધારતામાં નોંધપાત્ર વધારો થયો છે.
ફ્રન્ટલાઇન સ્ટાફે ચેતવણી આપી છે કે વધી રહેલી ગરીબી બાળકોને શાળાથી દૂર કરી રહી છે. તેમને એ વાતની ચિંતા હોય છે કે તેમના કપડાંને કારણે તેમની મજાક ઉડાવવામાં આવશે. બાળકોની ભૂખ સંતોષવા માટે માતાપિતાને ભોજન છોડવાની ફરજ પડી રહી છે. ગરીબીના કારણે તેઓ હીટિંગ અને ગરમ પાણી વિના રહેવા મજબૂર બન્યાં છે.
બાળકો મધ્યે કામ કરતી બટલ યુકેના જણાવ્યા અનુસાર 1000 ફ્રન્ટલાઇન વર્કર્સ ગરીબીમાં સબડતાં બે લાખ કરતાં વધુ બાળકોની કાળજી લઇ રહ્યાં છે. 2021માં નિરાધાર બાળકોની સંખ્યા 36 ટકા હતી જે 2023માં વધીને 45 ટકા પર પહોંચી છે.


