લંડનઃ યુકેમાં સડકોની મરામત માટેના ફંડિંગમાં છેલ્લા એક દાયકામાં 50 ટકાનો ઘટાડો થયો છે. સડકોની મરામતની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય સ્તરે યુકે તળિયાના સ્થાને પહોંચી ગયો છે. લોકલ ગવર્નમેન્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર યુકે જેટલા જ વિકસિત અન્ય 13 દેશોની સરખામણીએ યુકેમાં સડકોની મરામત માટેનું ફંડિંગ ઘણું ઓછું છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં તમામ કાઉન્સિલનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાએ ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ પાસેથી મેળવાયેલા 38 વિકસિત દેશોમાં દર વર્ષે સડકોની મરામત માટે કરાતા ખર્ચના આંકડાની આધારે સમીક્ષા કરી હતી.
આંકડા દર્શાવે છે કે યુકે દ્વારા સડકોની મરામત પાછળ થતા ખર્ચમાં 2006થી અત્યાર સુધીમાં 51 ટકાનો ઘટાડો થયો છે. 2006માં સડકોની મરામત પાછળ યુકેમાં 4 બિલિયન પાઉન્ડનો ખર્ચ કરાતો હતો જે 2019માં ઘટીને 2 બિલિયન પાઉન્ડ પર આવી ગયો છે. 13 વિકસિત દેશોની સરખામણીમાં સડકોની મરામત પાછળ ખર્ચ કરતા દેશોની યાદીમાં યુકે ફક્ત આયર્લેન્ડ કરતાં આગળ છે.
યુકેની તમામ સડકોની મરામત માટેનો અંદાજિત ખર્ચ 14 બિલિયન પાઉન્ડ છે જે 2012માં 9 બિલિયન પાઉન્ડ હતો. જાપાન, અમેરિકા, કોરિયા અને ન્યુઝિલેન્ડ કરતાં યુકેમાં સડકોની મરામત પાછળ ઘણો ઓછો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.


