યૌનશોષણના છ અપરાધીઓ સામે ઐતિહાસિક પ્રતિબંધાત્મક આદેશ

Monday 24th November 2014 08:09 EST
 

કોર્ટે જણાવ્યું હતું કે જો આદેશનું ઉલ્લંઘન થશે તો કોર્ટની અવમાનના બદલ તેમને બે વર્ષની જેલની સજા થઇ શકે છે. પોલીસે અગાઉ સેક્સ ગ્રૂમિંગ ગેન્ગના આ છ એશિયન પુરુષોની ઓળખ ગુપ્ત રાખવાનો પ્રયાસ કરતા જણાવ્યું હતું કે તેમનો નામોલ્લેખ કરવાથી તેમના માનવાધિકારોનો ભંગ કર્યો ગણાશે. હવે પોલીસના જણાવ્યા અનુસાર, બર્મિંગહામના છ પુરુષ અપરાધી સામેના આદેશનો ઉપયોગ ઓછામાં ઓછા ૭૫ બાળકના રક્ષણ માટે પણ કરી શકાશે.

મોહમ્મદ અંજામ (૩૧), ઓમર અહમદ (૨૭), નસીમ ખાન (૨૯), મોહમ્મદ જાવેદ (૩૪), શાહ આલમ (૩૭) અને સજ્જાદ હુસૈન (૪૦) યૌનશોષણનો શિકાર બનેલી કિશોરીનો સંપર્ક કરી શકશે નહિ તેમ જ અંગત રીતે સંકળાયેલા ન હોય તેવી ૧૮ વર્ષથી ઓછી વયની કોઈ પણ કિશોરીને જાહેર સ્થળે મળવા જઈ શકશે નહિ તેવો આદેશ ફરમાવ્યો છે.

કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે નાસી જવાનો ઈતિહાસ ધરાવતી અને હાલ સંભાળ હેઠળ રહેલી ૧૭ વર્ષની કિશોરીને ગયા મહિનાની એક વહેલી સવારે કારમાંથી ઉતરીને અહમદ અને અંજામને ગુડ બાય કહેતી પોલીસે નિહાળી હતી. અહમદે અગાઉ તેની સાથે મોબાઈલ પર સંપર્ક કર્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આ કિશોરી તે સમયે નશામાં હતી અને કારની પાછલા ભાગમાં વોડકાની અડધી ખાલી બોટલ મળી હતી. અહમદ અને અંજામે અસુરક્ષિત કિશોરીનું જાતીય શોષણ કર્યું હતું અથવા આમ કરવાનો ઈરાદો હોવાનું કબૂલ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter