સર ઓલિવર ડાઉડેન અને કૂલેશ શાહને CF India ના સમર રિસેપ્શનમાં સહાધ્યક્ષો જાહેર કરાયા

Tuesday 17th June 2025 15:42 EDT
 
 

લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીને બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી સાથે સાંકળતી સૌથી મોટી સભ્યસંખ્યા ધરાવતી સંસ્થા કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા (CF India) દ્વારા 11 જૂન બુધવારે લંડનના તાજ હોટેલના સેન્ટ જેમ્સ કોર્ટ ખાતે આયોજિત સમર રિસેપ્શનમાં સર ઓલિવર ડાઉડેન અને કૂલેશ શાહને કો-ચેર (સહાધ્યક્ષ) તરીકે નિયુક્ત કરાયાની જાહેરાત કરવામાં આવી હતી.

સમારંભમાં પૂર્વ કન્ઝર્વેટિવ પ્રાઈમ મિનિસ્ટર લોર્ડ ડેવિડ કેમરન ચાવીરૂપ વક્તા હતા તેમજ કન્ઝર્વેટિવ પાર્ટીના વરિષ્ઠ રાજકારણીઓ, પાર્ટીના ચેરમેન નાઈજેલ હડલસ્ટોન MP, લેસ્ટર ઈસ્ટથી પાર્ટીના સાંસદ શિવાની રાજા, સાઉથવેસ્ટ હર્ટફોર્ડશાયરથી સાંસદ ગગન મોહિન્દ્રા, લોર્ડ કુલવીર રેન્જર, યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. પાંચ વર્ષના કાર્યકાળ પછી વિદાય લઈ રહેલા સહાધ્યક્ષો રીના રેન્જર OBE અને અમીત જોગીઆ MBE તેમજ કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયાના સ્થાપક લોર્ડ ડોલર પોપટને બિરદાવાયાં હતાં.

લોર્ડ ડેવિડ કેમરને સંબોધનમાં યુકેમાં બ્રિટિશ ભારતીયોની ઉદ્યોગસાહસિકતાની ભાવના, મજબૂત પારિવારિક મૂલ્યો અને ધીરજના ગુણો સાથે મહત્ત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમના સંબોધનથી બ્રિટનના સામાજિક અને આર્થિક સફળતાના કોર્નરસ્ટોન તરીકે કોમ્યુનિટીના મહત્ત્વ અને આ સંપર્કોને પોષવામાં કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયાની ચાવીરૂપ ભૂમિકાનું મહત્ત્વ પ્રસ્થાપિત કરાયું હતું.

લંડન ટાઉન ગ્રૂપના સ્થાપક કૂલેશ શાહે તેમના સંબોધનમાં યુકેના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પોતમાં બ્રિટિશ ભારતીયોની નોંધપાત્ર સિદ્ધિઓ અને યોગદાનો પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીની અસાધારણ સફળતાની કથા અનેરી છે. આ કોમ્યુનિટી તેની ઉદ્યોગસાહસિકતાની ભાવના, પરિવાર અને શિક્ષણ પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા અને જાહેર સેવા માટે મજબૂત સમર્પણ માટે પ્રખ્યાત છે. બ્રિટિશ ભારતીયોએ બિઝનેસથી પોલિટિક્સ સુધી તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા દર્શાવી છે. શ્રેષ્ઠ બ્રિટિશ મૂલ્યોને અપનાવવા સાથે પોતાની સાંસ્કૃતિક ઓળખના જતનનો ઉત્સાહ આપણા દેશને સમૃદ્ધ બનાવતી વૈવિધ્યતાની ઊજવણી છે. કોમ્યુનિટીની પ્રતિભા અને મહેચ્છા બ્રિટનનું ભવિષ્ય ઘડવા સાથે આપણા બે મહાન દેશો વચ્ચેના બંધનોને મજબૂત બનાવશે.’ કૂલેશ શાહે લોર્ડ કેમરનની નેતાગીરી હેઠળ CF Indiaના મજબૂત આધારને બિરદાવવા સાથે સંસ્થાના સહસ્થાપક લોર્ડ ડોલર પોપટની વિઝનરી ભૂમિકાની નોંધ લીધી હતી.

હર્ટ્સમીઅરના સાંસદ અને વરિષ્ઠ કન્ઝર્વેટિવ રાજકારણી સર ઓલિવર ડાઉડેન CBE MP તેમની ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર, ચાન્સેલર ઓફ ડચી ઓફ લેન્કેશાયર, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ડિજિટલ, કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ તરીકે પૂર્વ ભૂમિકાઓ સાથે સઘન સરકારી અનુભવ લાવ્યા છે. બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીના પ્રખર સમર્થક સર ઓલિવર એન્ટરપ્રાઈઝ અને સામુદાયિક સંવાદિતાના હિમાયતી છે.

કૂલેશ શાહ રીઅલ એસ્ટેટ, હોસ્પિટાલિટી એનર્જી, ટેકનોલોજી અને સામાજિક અસરને સાંકળતા મલ્ટિમિલિયન પાઉન્ડના સાહસ લંડન ટાઉન ગ્રૂપ સાથે કામગીરી મારફત 35 વર્ષનો એન્ટ્રેપ્રીન્યોર અને ફિલાન્થ્રોપિક નેતાગીરીનો અનુભવ લાવે છે. CF India માટે તેમનું વિઝન સમાવેશિતા, તક અને ભારત-યુકેના સંબંધોની મજબૂતી ઉપરાંત, વેપાર, ઈનોવેશન, ક્લાઈમેટ એક્શન અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા જેવી વૈશ્વિક પ્રાથમિકતાઓને આવરી લે છે.

નવા સહાધ્યક્ષોએ સાથે મળીને CF India માટે ત્રણ ચાવીરૂપ પ્રાથમિકતાઓની રૂપરેખા આપી હતીઃ

• કન્ઝર્વેટિવ પાર્ટી અને બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી વચ્ચે સંવાદને મજબૂત બનાવવો.

• જાહેર જીવનનાં તમામ ક્ષેત્રોમાં ઉભરતા બ્રિટિશ ભારતીય નેતાઓની જોરદાર હિમાયત કરવી.

• વેપાર, ઈનોવેશન, સંસ્કૃતિ અને વ્યૂહાત્મક વૈશ્વિક પડકારો મુદ્દે યુકે-ભારતના સંબંધો ગાઢ બનાવવા.

સર ઓલિવર ડાઉડેને જણાવ્યું હતું કે, ‘કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયાના કો-ચેર તરીકે સેવા આપવી તે પ્રિવિલેજ છે. આપણા દેશના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પોત માટે બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી વિશેષ મહત્ત્વ ધરાવે છે અને તેમનો અવાજ સંભળાય અને પ્રતિનિત્વ કરાય તેની ચોકસાઈ આપણે કરવી જોઈએ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter