સાદિક લંડન સ્થાનિક ચૂંટણીમાં લેબરના ધોવાણના પોલ્સથી ચિંતિત

લેબર પાર્ટી માટે લંડન ઈલેક્શનના પરિણામો આંચકાજનક રહેવાનો યુગવનો વર્તારોઃ ગ્રીન અને રિફોર્મ પાર્ટીઓ 6 કાઉન્સિલમાં વિજય મેળવવાની આગાહી

Wednesday 29th April 2026 08:01 EDT
 
 

લંડનઃ મે મહિનાની સ્થાનિક ચૂંટણીમાં સર કેર સ્ટાર્મરની મુશ્કેલી વધશે તેવો અણસાર યુગવ (YouGov)ના પોલ્સમાં જણાયો છે. લંડનમાં લગભગ છેલ્લા 50 વર્ષમાં સૌથી ખરાબ પરિણામો લેબર પાર્ટીએ સહન કરવાના આવશે તેમજ ગ્રીન અને રિફોર્મ પાર્ટીઓને ભારે ફાયદો થશેતેવો યુગવનો વર્તારો જણાવે છે. આગામી સ્થાનિક ચૂંટણીમાં લેબર પાર્ટીનું લંડનમાં ધોવાણ સૂચવતા પોલ્સથી ચિંતા થઈ હોવાનું લંડનના મેયર સાદિક ખાને સ્પષ્ટ કર્યું હતું. તેમણે સેન્ટ્રલ સરકાર તરફની નિરાશા સ્થાનિક ચૂંટણીઓમાં હાવી નહિ થવા દેવા મતદારોને અનુરોધ કર્યો હતો.

યુગવના પોલ્સ મુજબ પ્રાઈમ મિનિસ્ટરની પાર્ટી માત્ર 15 કાઉન્સિલમાં સૌથી વધુ વોટ શેરથી વિજય મેળવશે જે 2022ની સરખામણીએ 6 કાઉન્સિલ ઓછી રહેશે. લેબર પાર્ટી ચાર દાયકા કરતા વધુ સમયથી રાજધાની લંડનમાં ભારે દબદબો ધરાવતી આવી છે. લંડનમાં લેબર પાર્ટીનો વોટ શેર 2022ના 42 ટકાથી ઘટીને 26 ટકાના તળિયે પહોંચ્યાનું જણાવાયું હતું. યુગવના MRPમોડેલમાં 4500થી વધુ પુખ્ત મતદારોનો મત લેવાયો હતો. જે અનુસાર લંડનમાં નાઈજેલ ફરાજની રિફોર્મ પાર્ટીને બે કાઉન્સિલ અને ઝેક પોલાન્સ્કીની ગ્રીન્સ પાર્ટીને ચાર કાઉન્સિલ પર વિજય મળશે. બીજી તરફ કન્ઝર્વેટિવ પાર્ટી પાંચ કાઉન્સિલમાં આગળ રહેશે જે સંખ્યા ગત ચૂંટણીમાં 6 કાઉન્સિલની હતી. પોલ અનુસાર લિબ ડેમ્સ ચાર કાઉન્સિલ પર આગળ રહેશે.

લંડનના મેયરે જણાવ્યું હતું કે પીટર મેન્ડેલસનની યુએસ એમ્બેસેડર તરીકે નિમણૂકના મોટા છબરડા અને 7 મેની ચૂંટણી અગાઉ તેણે સર્જેલા વમળોથી તેઓ ભારે રોષિત છે. તેમણે મતદારોને અનુરોધ કર્યો હતો કે લેબર સરકારે શું કર્યું છે તે તમારે યાદ રાખવું જોઈએ. લેબર મેયર અને લેબર સરકાર સાથે કામ કરતી લેબર કાઉન્સિલ ઘણું સારું કામ કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter