લંડનઃ 25મી ઓક્ટોબરે રિશી સુનાકના વડાપ્રધાન બન્યાને એક વર્ષ પુરું થયું છે. પુરોગામીઓ દ્વારા વારસામાં મળેલી અઢળક સમસ્યાઓ સાથે વડાપ્રધાનપદે આરૂઢ થયેલા સુનાક માટે એક વર્ષ કપરાં ચઢાણ સમાન રહ્યું હતું. બોરિસ જ્હોન્સનના કૌભાંડો અને લિઝ ટ્રસની આર્થિક હારાકિરી મધ્યે સુનાક માટે સૌથી પ્રાથમિક સવાલ દેશના અર્થતંત્રને પુનઃ પાટા પર લાવવાનો હતો. ઓક્ટોબર 2022માં સુનાકનો પ્રારંભ સારો રહ્યો હતો. તેમણે કેબિનેટમાં યોગ્ય પસંદગી સાથે મક્કમ નીતિઓ અપનાવવાની શરૂ કરી હતી.
નવેમ્બરમાં સુનાક અને તેમના ચાન્સેલર જેરેમી હન્ટે ઓટમ બજેટમાં આકરાં પગલાં સાથે અર્થતંત્રની ગાડીને વેગ આપવાનો પ્રારંભ કર્યો હતો. તેમણે સૌથી પહેલાં કરવેરા વધારીને ખર્ચમાં કાપ સાથે આગળ વધવાનું પસંદ કર્યું હતું. જોકે તેમના પગલાંની તાત્કાલિક અસરો દેખાઇ નહોતી અને બજારોએ યોગ્ય પ્રતિસાદ આપ્યો નહોતો.
ડિસેમ્બર 2022માં સુનાક સરકારને રેલવે, એનએચએસ, પોસ્ટ, શિક્ષકો એમ અનેક પ્રકારની હડતાળોનો સામનો કરવો પડ્યો. ડિસેમ્બરમાં હડતાળોના કારણે 8,43,000 માનવ દિવસ વેડફાઇ ગયાં હતાં. હડતાળોના નિરાકરણ માટે સુનાક સરકાર યોગ્ય પગલાં લઇ શકી નહોતી તેથી તેમની સરકાર સામે નારાજગીમાં વધારો થયો હતો.
2023નું નવું વર્ષ પણ સુનાક માટે અનેક ઉતાર ચઢાવ લઇને આવ્યું હતું. કરવેરામાં અપારદર્શિતા માટે પાર્ટી ચેરમેન નદીમ ઝહાવીને બરતરફ કરવાની ફરજ પડતાં ટોરીઝની પ્રતિષ્ઠા ઝંખવાઇ હતી. જાન્યુઆરીમાં સુનાક સરકારની કામગીરી ઢચુ પચુ રહી હતી.
ફેબ્રુઆરીમાં વડાપ્રધાન તરીકે મોટી સફળતા હાંસલ કરતાં સુનાક યુરોપિયન સંઘ સાથે નોર્ધન આયર્લેન્ડ માટેના ટ્રેડ નિયમો પર કરાર કરી શક્યાં હતાં. આ મહિનામાં સુનાક સરકારની કામગીરી સંપુર્ણપણે સફળ રહી હતી. માર્ચ મહિનામાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સાથે નવા સંરક્ષણ સોદામાં આગળ વધવાની સફળતા પ્રાપ્ત થઇ હતી. જોકે આ સમયગાળામાં ફુગાવો અને કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ સરકારને પણ હંફાવતી રહી હતી.
એપ્રિલમાં સુનાક સામે એમપી કોડ ઓફ કન્ડક્ટના સંભવિત ઉલ્લંઘનની તપાસ શરૂ થતાં તેમની પ્રતિષ્ઠા ઝંખવાઇ હતી. જોકે તેમાં ક્લીનચિટ પ્રાપ્ત થતાં સુનાકને રાહત મળી હતી. સુનાકની લાંબાગાળાની નીતિઓની તાત્કાલિક અસર ન દેખાતાં મે 2023 યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો અને 1000 કરતાં વધુ બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો. આમ સુનાક તેમની નીતિઓ દ્વારા મતદારોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યાં હતાં અને સુનાકની લોકપ્રિયતા ઘટવા લાગી હતી.
જુલાઇમાં સુનાકની પરીક્ષા માટે ફરી પેટાચૂંટણી આવી પડી હતી અને અક્સબ્રિજની બેઠક પર મળેલા વિજયે સુનાકની આબરૂ બચાવી લીધી હતી. બીજીતરફ દેશમાં વધી રહેલા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની સમસ્યા વધુ વકરતાં સુનાક સરકાર પર માછલાં ધોવાઇ રહ્યાં હતાં. રવાન્ડા પ્રોજેક્ટ કોર્ટની આંટીઘૂંટીમાં અટવાતા સુનાકની માઇગ્રેશન નીતિ અધરમાં અટવાઇ પડી હતી.
જૂન અને જુલાઇમાં ફુગાવાના મોરચે સુનાક સરકારને સફળતા મળી અને મોંઘવારી ઘટતાં કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસમાં લોકોને રાહત મળી હતી. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ આ સિલસિલો જારી રહ્યો હતો પરંતુ હજુ વીજળી, ઇંધણ અને ખાદ્યપદાર્થોની ઊંચી કિંમતોના કારણે જનતામાં સરકાર સામેની નારાજગીના પડઘા ઓક્ટોબરમાં યોજાયેલી પેટાચૂંટણીઓમાં સંભળાયા હતા અને ટોરીઝના ગઢ સમાન બે બેઠકો પર મળેલા પરાજયે સુનાક સરકારના પાયાને હચમચાવી દીધાં છે.


