રોયલ મેઇલની સેવાઓ ખસ્તાહાલ, ટપાલ ડિલિવરીમાં અક્ષમ્ય વિલંબ

રોયલ મેઇલ નિષ્ફળ જઇ રહી છે, ફરિયાદોના પગલે ઓફકોમે તપાસ શરૂ કરી

Tuesday 24th October 2023 16:44 EDT
 
 

લંડનઃ અવારનવાર પોસ્ટલ સ્ટેમ્પની કિંમતોમાં વધારા છતાં રોયલ મેઇલની સેવાઓ દિન-પ્રતિદિન બદતર બની રહી છે. રોયલ મેઇલ અત્યારે ગોકળગાયની ગતિએ ટપાલની ડિલિવરી કરી રહી છે અને કેટલાક વિસ્તારમાં તો પત્રો અને બિલની ડિલિવરી સપ્તાહમાં એક વાર પણ માંડ કરાતી હોવાની ફરિયાદો ઉઠી છે. જેના પગલે ઓફકોમે તપાસ શરૂ કરી છે.

રોયલ મેઇલ ઉનાળામાં દરેક વિસ્તારમાં ટપાલ ડિલિવરીના ટાર્ગેટ હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે. રોયલ મેઇલ સપ્તાહમાં 6 દિવસ ટપાલ અને પાંચ દિવસ પાર્સલની ડિલિવરી કરવા બંધાયેલી છે. તેના ટાર્ગેટ કહે છે કે ફર્સ્ટ ક્લાસ મેઇલ મળ્યાના એક દિવસમાં 93 ટકા અને સેકન્ડ ક્લાસ મેઇલ મળ્યાના 3 દિવસમાં 98.5 ટકા ડિલિવર થવી જોઇએ અને દરરોજ તેના ડિલિવરી રૂટના 99.9 ટકા પૂરા થવા જોઇએ જેની સામે ફર્સ્ટ ક્લાસ ડિલિવરી રેટ 73.7 ટકા જેટલો નીચો રહ્યો હતો.

પોસ્ટના કર્મચારીઓ કહે છે કે ડિલિવરી રાઉન્ડ ટૂંકાવી દેવામાં આવ્યાં છે અને સોર્ટિંગ ઓફિસ ખાતે લેટર્સના ઢગલા ખડકાયાં છે કારણ કે અમને રોયલ મેઇલને સારી કમાણી કરાવતી ટપાલ અને પાર્સલને પ્રાથમિકતા આપવાની સૂચના અપાઇ છે.

બ્રાઇટનના ગ્રીન પાર્ટીના એમપી કેરોલિન લુકાસે જણાવ્યું હતું કે, મારા મતવિસ્તારોમાં ટપાલ ડિલિવરીની સમસ્યા અત્યંત ગંભીર બની છે. પત્રોની સમયસર ડિલિવરી ન થતાં લોકોને માંડ માંડ મળેલી હોસ્પિટલ એપોઇન્ટમેન્ટ ગુમાવવી પડે છે.

ટપાલ ડિલિવરીમાં થતા વિલંબનો આક્રોશ જનતા સોશિયલ મીડિયા પર રજૂ કરી રહી છે. કેટલાકની ફરિયાદ છે કે અમારા ત્યાં સપ્તાહમાં એક જ વાર ટપાલ આવે છે. ટપાલની ડિલિવરીના ધાંધિયાની સાથે જો તમે અગત્યની ટપાલની તપાસ કરવા સોર્ટિંગ ઓફિસ જાવ તો ત્યાં પણ  લાઇનમાં બે-બે કલાક ઉભા રહેવું પડે છે.

રોયલ મેઇલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે  અમે અમારી ડિલિવરી ઓફિસો ખાતે થતા વિલંબના કારણોની તપાસ કરવા કેટલીક ટીમની રચના કરી છએ અને તેઓ તાત્કાલિક પગલાં લઇ રહ્યાં છે. છેલ્લા 12 સપ્તાહમાં 6,000 નવા ટપાલી નિયુક્ત કરાયાં છે. અમે વધુ 16000 સિઝનલ વર્કરને નિયુક્ત કરી રહ્યાં છીએ, વાહનોની સંખ્યામાં વધારો કરીને અમારી ઓપરેશનલ કેપેસિટી વધારવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. અમને વિશ્વાસ છે કે ટપાલ ડિલિવરીમાં થઇ રહેલા વિલંબને ઘટાડી શકાશે.

બીજીતરફ રોયલ મેઇલને દંડવાનો અધિકાર ધરાવતા ઓફકોમે જણાવ્યું હતું કે, રોયલ મેઇલ તેની સેવાઓમાં નિષ્ફળ ગઇ છે. અગત્યની ટપાલોની ડિલિવરીમાં વિલંબના કારણે જનતાને કેટલી પરેશાની થાય છે તે અમે સમજી શકીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter