લંડન સ્થિત 72 વર્ષ જૂની ઇન્ડિયા ક્લબ રેસ્ટોરન્ટ બંધ કરવાનો નિર્ણય

જવાહરલાલ નેહરૂ, કૃષ્ણ મેનન અને લેડી માઉન્ટબેટન આ ક્લબના સ્થાપક સભ્યો હતાં

Tuesday 22nd August 2023 11:47 EDT
 
 

લંડનઃ ભારત આઝાદ થયા પછી ભારત અને યુકે વચ્ચેના સંબંધો મજબૂત બનાવવામાં મહત્વની ભુમિકા ભજવનાર ભારતીય રેસ્ટોરન્ટ આગામી મહિને બંધ થઇ રહી છે. 1951માં સ્થપાયેલ ઇન્ડિયા ક્લબ 17મી સપ્ટેમ્બરે છેલ્લી સેવાઓ આપશે. હવે આ ઐતિહાસિક સ્થળ પર લક્ઝરી હોટલનું નિર્માણ કરાશે. છેલ્લા 26 વર્ષથી આ સ્થળની લીઝ ધરાવનાર યાદગાર માર્કર અને તેમની દીકરી ફિરોઝાએ જણાવ્યું હતું કે, અમે અત્યંત દુઃખ સાથે ઇન્ડિયા ક્લબ બંધ કરવાની જાહેરાત કરીએ છીએ. ફિરોઝા કહે છે કે આ રેસ્ટોરન્ટના સંચાલનમાં હું 10 વર્ષની હતી ત્યારથી મદદ કરી રહી છું. મારા માટે આ અત્યંત દુઃખની ક્ષણ છે.

ઇન્ડિયા ક્લબ લંડનના એશિયન સમુદાયને દાયકાઓથી બટર ચિકન, મસાલા ડોસા અને ચિલ્લી પનીરનો આસ્વાદ આપી રહી હતી. ઇન્ડિયા લીગ દ્વારા આ રેસ્ટોરન્ટ, બાર અને મિટિંગ પ્લેસનો પ્રારંભ કરાયો હતો. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ, રાજદ્વારી કૃષ્ણ મેનન અને લેડી માઉન્ટબેટન આ ક્લબના સ્થાપક સભ્યો રહ્યાં છે. લંડન આવતા ભારતીયો સલાહ મેળવી શકે, સમુદાયના લોકો સાથે હળી મળી શકે અને પોતાની ભાષામાં વાત કરી શકે તે માટે આ ક્લબનો પ્રારંભ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter