લંડનના એશિયનો પ્રદૂષિત હવાના દુષ્પરિણામોથી પીડાઇ રહ્યાં છેઃ સાદિક ખાન

એશિયન વોઇસ – ગુજરાત સમાચાર સાથેની વાતચીતમાં લંડનના મેયરે જણાવ્યું હતું કે, પ્રદૂષિત હવા અને ક્લાઇમેટ ક્રાઇસિસના મુદ્દા પાર્ટીથી પણ વધુ મહત્વના છે...

શેફાલી સક્સેના Tuesday 08th August 2023 13:35 EDT
 
 

અક્સબ્રિજના નિવૃત્ત સેનાની પ્રભદીપ સિંહે ઉલેઝના વિસ્તરણના વિરોધમાં એક સપ્તાહની ભૂખ હડતાળ શરૂ કરી છે. ઉલેઝના કારણે બૃહદ લંડનના હજારો વાહનચાલકોને પ્રતિ દિવસ 12.50 પાઉન્ડ અને પ્રતિ વર્ષ 4500 પાઉન્ડ ચૂકવવા પડશે. આકરી ટીકા વચ્ચે એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર સાથેની વિશેષ વાતચીતમાં મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે, દુર્ભાગ્યે લંડનમાં વસતા અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી સમુદાયના લોકો પ્રદૂષિત હવાના દુષ્પરિણામો વેઠી રહ્યાં છે. ઉલેઝ જેવી મહત્વની ગ્રીન પોલિસીમાંથી પીછેહઠ કરવાનો સવાલ જ નથી.

એશિયન વોઇસ – ગુજરાત સમાચારઃઉલેઝના લાભ જનતા સમક્ષ રજૂ કરવા તમારા માટે કેટલા પડકારજનક છે?

મેયર સાદિક ખાનઃ સમગ્ર લંડનમાં ઉલેઝનો અમલ મુશ્કેલ નિર્ણય છે પરંતુ હું તેના અમલ માટે પ્રતિબદ્ધ છું. હું પીછેહઠ કરવાનો નથી. હવાના પ્રદૂષણના કારણે દર વર્ષે 4000 લંડનવાસીના અકાળે મોત થાય છે. બાળકોનો ઉછેર બિસ્માર ફેફસાં સાથે થાય છે અને હજારો લોકો ઘાતક બીમારીઓનો ભોગ બની રહ્યાં છે. દરેક લંડનવાસીએ જાણવું જોઇએ કે ઉલેઝ એક લક્ષ્યાંક ધરાવતી યોજના છે. આઉટર લંડનમાં દર 10માંથી 9 કાર ઉલેઝ નિયમાનુસાર ફરે છે તેથી બહુ ઓછા લોકોને ઉલેઝ ચાર્જ ચૂકવવો પડશે. જનતાને રાહત આપવા માટે મેં ગયા સપ્તાહમાં સ્ક્રેપેજ સ્કીમનું વિસ્તરણ કર્યું છે.

એશિયન વોઇસ – ગુજરાત સમાચારઃ દક્ષિણ એશિયનો પર્યાવરણને મદદ કરે તેવી જીવનશૈલી ધરાવે છે. તેમ છતાં શરૂઆતમાં તેમને ઉલેઝ સમજવા અને સહકાર આપવામાં મુશ્કેલી પડી શકે છે. આ સંદર્ભમાં તમે શું કહેશો?

મેયર સાદિક ખાનઃ લંડનની સૌથી મોટી શક્તિ તેની વિવિધતા છે. લંડન શહેરમાં સાઉથ એશિયન કોમ્યુનિટીના યોગદાનનું મને ગૌરવ છે. હું જાણું છું કે લંડનવાસીઓ ઉલેઝના વિસ્તરણથી ચિંતિત છે અને તેમને આ પોલિસીના તાત્કાલિક કોઇ લાભ જણાશે પણ નહી. તેમ છતાં પ્રદુષિત હવા આપણા બધાના આરોગ્યને અસર કરે છે. આપણે જાણીએ છીએ કે ઉલેઝ સારા પરિણામ આપે છે અને ઇનર લંડનમાં 40 લાખ કરતા વધુ લોકો શુદ્ધ હવા પામી રહ્યાં છે. ઉલેઝના વિસ્તરણથી વધુ 50 લાખ લંડનવાસીઓને શુદ્ધ હવા ઉપલબ્ધ થશે. આપણે જીવનો બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.

એશિયન વોઇસ – ગુજરાત સમાચારઃ તમે ફક્ત અન્ય પાર્ટીઓ અને નાગરિકો જ નહીં પરંતુ તમારી પોતાની લેબર પાર્ટીમાંથી થઇ રહેલી ટીકા અંગે શું વિચારો છો, શું તમે તમારી યોજના પર પુનઃવિચારણા કરશો?

મેયર સાદિક ખાનઃ હું હંમેશા કહેતો આવ્યો છું કે ઉલેઝનું વિસ્તરણ અત્યંત મુશ્કેલ નિર્ણય છે પરંતુ પ્રદૂષિત હવાની અસરો ઘટાડવા તે જરૂરી છે. હું આ શહેરનો મેયર છું. આપણા શહેર માટે મુશ્કેલ નિર્ણય કરવા લંડનવાસીઓએ મને બે વાર ચૂંટ્યો છે. પ્રદૂષિત હવા અને ક્લાઇમેટ ક્રાઇસિસ પાર્ટી રાજકારણથી અળગાં રાખવા જોઇએ. હું લંડનને આરોગ્યપ્રદ શહેર બનાવવાના અભિયાનમાં અગ્રીમ મોરચે નેતૃત્વ આપતો રહીશ.

એશિયન વોઇસ – ગુજરાત સમાચારઃ ઉલેઝન અમલ બાદતમે આગામી ચૂંટણી અંગે શું વિચારો છો? તમારા અનુગામી મેયર ઉલેઝની તમારી યોજનાને યોગ્ય ન્યાય આપશે?

મેયર સાદિક ખાનઃ લંડનવાસીઓને ઘણા મુદ્દા અસર કરી રહ્યાં છે પરંતુ તે આપણા શહેર, આપણી પૃથ્વીના ભવિષ્ય માટે છે. આપણા બાળકો પર હવાના પ્રદૂષણની નુકસાનકારક અસરો થઇ રહી છે. તાપમાન 40 ડિગ્રીને પાર કરી રહ્યું છે. દાવાનળો વિસ્તરી રહ્યાં છે, નીચાણવાળા વિસ્તારો પૂરનો ભોગ બની રહ્યાં છે તેથી મને લાગે છે કે આપણે પગલાં લેવા જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter