લંડનઃ 21 ઓક્ટોબર શનિવારના રોજ લંડનની સડકો પર હજારો પેલેસ્ટાઇન સમર્થકો દ્વારા દેખાવો કરાયાં હતાં. તેમાં હમાસની તરફેણમાં પણ દેખાવકારોએ જેહાદનું આહવાન કર્યું હતું. સરકારે હમાસની તરફેણ કરનારા સામે આકરા કાયદાકીય પગલાંની સૂચના આપી હોવા છતાં મેટ્રોપોલિટન પોલીસ નિષ્ક્રિય રહેતાં હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને સર માર્ક રોવલી પાસે સ્પષ્ટતા માગી છે.
વ્હાઇટ હોલ પર આયોજિત રેલીમાં એક લાખ કરતાં વધુ લોકો ઉમટ્યાં હતાં. જેમાં દેખાવકારોએ પેલેસ્ટાઇનની મુક્તિની સાથે સાથે હમાસની તરફેણમાં પણ નારાબાજી કરી હતી. સુએલા બ્રેવરમેને આ નારાબાજીને ઇઝરાયેલના વિનાશનું આહવાન ગણાવી હતી.
ઇજિપ્તના દૂતાવાસ સામે એકઠાં થયેલા કટ્ટરવાદી સંગઠન હઝ્બ ઉટ તહરિરના સભ્યોએ જેહાદના નારા લગાવી મુસ્લિમ સેનાઓને ઇઝરાયેલ સામે લડવાનું આહવાન કર્યું હતું. આ સંગઠન મોટાભાગના આરબ દેશોમાં પ્રતિબંધિત છે. આ સંગઠનના નેતા લુકમાન મુકીમે અગાઉ હમાસના આતંકવાદીઓને હીરો ગણાવ્યા હતા.
વ્હાઇટ હોલ ખાતે ઇઝરાયેલ વિરોધી ધિક્કારપાત્ર નારા લગાવી રહેલા એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. એક વ્યક્તિ હમાસને સંપુર્ણ સમર્થનના પ્લે કાર્ડ દર્શાવી રહ્યો હતો. લંડનના એક ટ્યુબ ડ્રાઇવરે પણ પ્રવાસીઓ પાસે ઇઝરાયેલ વિરોધી નારા લગાવડાવ્યા હતા જેના પગલે તેને બરતરફ કરવાની માગ ઉઠી રહી છે.
જેહાદી નારા યુકેના લોકતંત્રિક મૂલ્યો માટે ધમકીરૂપઃ સુનાક
વડાપ્રધાન રિશી સુનાકે કટ્ટરવાદીઓને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, યુકેમાં એન્ટિસેમિટિઝમને સાંખી લેવાશે નહીં. જેહાદનું આહવાન યહૂદી સમુદાય અને યુકેના લોકતાંત્રિક મૂલ્યો સામે ધમકીરૂપ છે. અમે આશા રાખીએ છીએ કે આ પ્રકારના કટ્ટરવાદ સામે પોલીસ જરૂરી તમામ પગલાં લેશે.


