લંડનમાં ભારતીય હાઇ કમિશન ખાતે સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી

ભારતીય સમુદાય સાથે બ્રિટિશ નાગરિકો પણ હાથમાં તિરંગા સાથે ઉજવણીમાં જોડાયાં

Tuesday 22nd August 2023 11:33 EDT
 
 

લંડનઃ લંડનમાં 15મી ઓગસ્ટ મંગળવારના રોજ ભારતીય હાઇ કમિશન ખાતે ભારતના 77મા સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે યુકે ખાતેના ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામી, ભારતીય સેનાના અધિકારીઓ, ભારતથી આવેલા એનસીસી કેડેટ અને બ્રિટિશ અધિકારીઓ સામેલ થયાં હતાં. મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો અને બ્રિટિશ નાગરિકો પણ હાથમાં તિરંગા સાથે હાઇ કમિશનની બહાર એકઠાં થયાં હતાં. ઉજવણી દરમિયાન ભારતના રાષ્ટ્રગીત અને વંદેમાતરમ ગાવામાં આવ્યાં હતાં.

પાંચમી ઓગસ્ટથી યુકેની મુલાકાતે આવેલા એનસીસીના કેડેટ્સને દોરાઇસ્વામીએ ભેટ વિતરિત કરી હતી. આ પ્રસંગે દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, ભારતીય સમુદાયના અને પીઆઇઓ સમુદાયના ઘણા લોકો આ પ્રસંગે હાજર રહ્યાં હતાં. તે ઉપરાંત ભારતીય મૂળના ન હોય તેવા બ્રિટિશ નાગરિકો પણ આ ઉજવણીમાં મોટી સંખ્યામાં જોડાયાં હતાં.

તેમણે જણાવ્યું હતું કે, ભારતની ઉજવવાલાયક સિદ્ધીઓ ઘણી છે. મારી ધારણા કરતાં વધુ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં છે. યુકેમાં આજે કામનો દિવસ છતાં ઘણા લોકોએ હાજર રહીને ઉજવણીમાં ઉત્સાહથી ભાગ લીધો છે.

ભારત-યુકે વેપાર કરાર પરના સંકેતો હકારાત્મકઃ વિક્રમ દોરાઇસ્વામી

નવી દિલ્હીમાં ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરાર પર 12મા રાઉન્ડની મંત્રણા પહેલાં યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, બંને દેશના અધિકારીઓ પરસ્પર લાભકારી વેપાર કરારની સફળતા માટે કામ કરવામાં સક્ષમ છે. હું માનું છું કે બંને દેશ કરારને અમલી બનાવવા માટે જરૂરી સમાધાનો કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter